ઝારખંડ વિધાનસભાની તમામ 81 બેઠકોની ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. ઝારખંડમાં 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી પાંચ તબક્કામાં મતદાન યોજાયું હતું. રાજ્યના 24 જિલ્લા મથકો ખાતે સોમવારે સવારના 8 કલાકથી મત ગણતરીનો પ્રારંભ થશે. ચૂંટણી પંચે તમામ જિલ્લાના મુખ્યમથકો ખાતે મત ગણતરીની વ્યવસ્થા ગોઠવી છે. પહેલું પરિણામ બપોરના 1 કલાક સુધીમાં જાહેર થાય તેવી સંભાવના છે.
મહત્ત્વની બેઠકોમાં જમશેદપુર ઇસ્ટ, ડુમકા, બારહેટ, ધનવાર છે. જમશેદપુર ઇસ્ટ પરથી મુખ્યમંત્રી રઘુબર દાસ મેદાનમાં છે. ડુમકા અને બારહેટ બેઠકો પરથી પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ હેમંત સોરેન મેદાનમાં છે. ઝારખંડ વિકાસ મોરચાના અધ્યક્ષ અને પૂર્વ સીએમ બાબુલાલ મરાન્ડી ધનવાર બેઠક પરથી મેદાનમાં છે. ભાજપના મહાસચિવ દીપક પ્રકાશે જણાવ્યું હતું કે, અમે બહુમતી પ્રાપ્ત કરીશું.
શું કહે છે એક્ઝિટ પોલ
ઝારખંડમાં 81 બેઠકો માટે છેલ્લા અને પાંચ તબક્કામાં યોજાયેલી 16 બેઠકોની ચૂંટણીમાં 70.87 ટકા મતદાન થયું છે અને મતદાન પૂરું થયા બાદ આવેલા એક્ઝિટ પોલમાં એક તરફ હેમંત સોરેનના વડપણ હેઠળ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર બનવાના સંકેત છે તો બીજી તરફ ત્રિશંકુ વિધાનસભાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. 81 બેઠકો ધરાવતી વિધાનસભામાં સરકાર રચવા માટે 41 બેઠકો મળવી જરૂરી છે. જો રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા થશે તો સરકાર રચવા માટે નાના પક્ષો કિંગમેકરની ભૂમિકા ભજવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.