અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જેમ જેમ નજીક વી રહી છે તેમ તેમ રાજકિય ગરમાવો વધી રહ્યો છે. ચૂંટણીને લઇને રાષ્ટ્રપતિ ડોનાવ્ડ ટ્રમ્પ અને તેમના પ્રતિસ્પર્ધી જો બિડને પ્રચાર શરુ કર્યો છે. ત્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લોકોને અપીલ કરી છે કે તેઓ દેશની લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારીને સમજે. બરાક ઓબામાએ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બને તેને દેશ માટે જોખમી કહ્યું છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં અમેરિકાની લોકશાહી દાવ પર લાગેલી છે.
બરાક ઓબામાએ આરોપ લગાવતા કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદને એક રિયાલિટી શોની માફક જુએ છે. આગળ તેમણે કહ્યું કે તેઓ પોતાની રાષ્ટ્રપતિની ટર્મ દરમિયાન સારો દેખાવ નથી કરી શક્યા, કારણ કે તેમનામાં સારુ કરવાની ક્ષમતા જ નથી. અમેરિકાના પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બુધવારે અમેરિકામાં ડેમોક્રેટિક રાષ્ટ્રિય સંમેલનમાં ડિજિટલ ભાષણ આપ્યું હતું. આ જ સંમેલનમાં ભારતીય મૂળના કમલા હેરિસને ઐપચારિક રીતે ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા. જેની સાથે કમલા હેરિસ અમેરિકામાં કોઇ મુખ્ય રાજકિય પક્ષ તરફથી ઉપ રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બનનાર પ્રથમ અશ્વેત અને દક્ષિણ અશિયાઇ મહિલા બની છે.
આ દરમિયાન ઓબામાએ કહ્યું કે જો બિડન અને કમલા હેરિસ બંને પાસે પુરતો અનુભવ અને ઠોસ નીતિઓ છે. ટ્રમ્પ પર કટાક્ષ કરતા ઓબામાએ કહ્યું કે રાષ્ટ્રપતિ બન્યા બાદ મને હતું કે ટ્રમ્પ થોડા ગંભીરતાથી વર્તશે, પરંતુ તેમણે આવું ક્યારેય કર્યુ નથી. ટ્રમ્પે પોતાની અને પોતાના મિત્રોની મદદ કરવા સિવાય તાકાતનો કોઇ ઉપયોગ કર્યો નથી. તેમણે લોકોને અપીલ કરી કે અમેરિકાને વધારે મહાન બનાવવા માટે તેઓ જો બિડન અને કમલા હેરિસની મદદ કરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.