જોધપુરની હોસ્પિટલમાં ચાર બાળકોને ચઢાવાયો એક્સપાયર્ડ ગ્લુકોઝ, તપાસના આદેશ

કોરોના રિકવરી રેટ મામલે રાજસ્થાન સમગ્ર દેશમાં કોરોના પ્રભાવિત રાજ્યોની યાદીમાં ટોચ પર

કોરોનાના સંકટ વચ્ચે રાજસ્થાનમાં જોધપુરની એક હોસ્પિટલનો ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જોધપુરની ઉમ્મેદ હોસ્પિટલમાં ચાર બાળકોને કથિત રીતે એક્સપાયર્ડ ગ્લુકોઝ ચઢાવી દેવામાં આવ્યો હતો. જો કે સદનસીબે આ ચારેય બાળકો સ્વસ્થ છે અને તેમને કોઈ સમસ્યા નથી જણાઈ રહી. હાલ આ સમગ્ર મુદ્દે તપાસનો આદેશ અપાયો છે.

હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. રંજના દેસાઈએ જણાવ્યું કે, આ કેસની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. જો આ મામલે કોઈની ભૂલ પકડાશે તો એક્શન લેવામાં આવશે. હાલ ચારેય બાળકો સ્વસ્થ છે અને તેમને કોઈ સમસ્યા નથી.

જો કે હોસ્પિટલ વોર્ડમાં એક્સપાયર્ડ ગ્લુકોઝ કેમ પડ્યો હતો તે એક તપાસનો વિષય છે. એવું લાગી રહ્યું છે કે સમગ્ર મુદ્દે બે સ્તરે બેદરકારી વર્તાઈ છે. એક તો ઈન્ચાર્જે પૂરતું ધ્યાન ન આપ્યું અને બીજું ગ્લુકોઝ ચઢાવનારે પણ પૂરતી તકેદારી ન રાખી.

જોધપુરની આ હોસ્પિટલમાં ભલે ઘોર બેદરકારી સામે આવી હોય પરંતુ કોરોના રિકવરી રેટ મામલે રાજસ્થાન સમગ્ર દેશમાં કોરોના પ્રભાવિત રાજ્યોની યાદીમાં ટોચ પર છે. રાજસ્થાનમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 80.2 ટકા થઈ ગયો છે. રાજસ્થાનમાં આશરે 8.45 લાખ લોકોની તપાસ થઈ છે જેમાં 19,000 જેટલા લોકો કોરોનાથી પોઝિટિવ નોંધાયા છે. જો કે રાજસ્થાનમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3,307 જ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.