જૂનાગઢમાં ખેડૂતોના માટે ઉપયોગી એવી દવા બનાવતી નકલી ફેક્ટરી પર કિસાન કોંગ્રેસના ખેડૂત અગ્રણીઓએ જનતા રેડ કરી પદાર્ફાશ કર્યો છે. કિસાન કોંગ્રેસની જનતા રેડમાં ખેડૂતોને મગફળીમાં ફુગનો નાશ કરવા માટે ઉપયોગી ટ્રાયકોડરમા નામનો પાવડર લાયસન્સ વગર વર્ષોથી બેરોકટોક બનાવવામાં આવી રહ્યો હતો. ખેડૂતો દ્વારા મગફળીમાં ફૂગનો નાશ કરવા માટે આ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગુજરાત ગ્રીન ક્રોપ કેર નામની જૂનાગઢમાં ધોરાજી રોડ પર જ ઈન્ડસ્ટ્રીઝમાં આ કારખાનું ધમધમી રહ્યું હતું.
નકલી દવા બનાવતી ફેક્ટરીમાં પાડવામાં આવેલી જનતા રેડમાં હજારો કિલોનો દવાનો જથ્થો ઝડપાયો છે. આ અંગે કિસાન કોંગ્રેસના આગેવાનોએ ગાંધીનગર સુધી રજૂઆતો કરી હોવા છતાં તંત્રનો એક પણ અધિકારી ઘટનાસ્થળે ફરક્યો નથી. કિશાન કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, સરકાર દ્વારા ખેડૂતોને લૂંટવા માટેનો ખુલ્લો પરવાનો આપી દીધો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે બેગ ઉપર licence નંબર લગાવવામાં આવ્યા નથી. આવો જથ્થો ગુજરાતમાં દરેક શહેરોમાં વેચાય છે.
બેગ ઉપર અમદાવાદ જીઆઈડીસીનું એડ્રેસ લખેલું છે, પરંતુ પેકિંગ અને પાવડર જૂનાગઢમાં બનાવવામાં આવી રહ્યો છે. નિયમ મુજબ સરકાર પાસેથી ત્રણ પ્રકારના લાઇસન્સ લેવાના હોય છે. એક પણ લાઇસન્સ ન હોવા છતાં બેરોકટોક ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી હતી. ફેક્ટરીના માલિક પોતે ગેરહાજર હોવાથી તેમના ભાઈ કે જે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢમાં આત્મા પ્રોજેક્ટના કર્મચારી છે જેઓ આજે ફેક્ટરી પર હાજર હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.