કડક બંદોબસ્ત વચ્ચે હાથરસનો પરિવાર લખનઉ જવા રવાના, આજે હાઇકોર્ટમાં સુનાવણી

 

હાથરસ ગેંગરેપ અને અત્યાચારના કેસની સુનાવણી માટે પીડિતાનો પરિવાર આજે સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લખનઉ જવા રવાના થયો હતો. અત્યાર અગાઉ આ પરિવારને એક કરતાં વધુ વખત ધાકધમકી મળી હોવાથી રાજ્ય સરકારે કડક સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરી હતી.

અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે સોમવારે એટલે કે આજે 12 ઓક્ટોબરે પીડિતાના પરિવારને કોર્ટમાં રજૂ કરવાની તાકીદ કરી હતી.  14મી સપ્ટેંબરે એક ખેતરમાં ગેંગરેપ અને હિંસક અત્યાચારનો ભોગ બનેલી હાથરસની 19 વર્ષની દલિત યુવતી પંદર દિવસ કોમામાં રહ્યા બાદ દિલ્હીની એક હૉસ્પિટલમાં મરણ પામી હતી.

પોલીસે રાતોરાત આ યુવતીના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી નાખ્યો હતો. મરનારના પરિવારને .યુવતીની નિકટ જવા દેવામાં આવ્યો નહોતો. આ મુદ્દે સારો એવો હોબાળો થયો હતો અને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

આ કેસમાં હો હા થતાં અલાહાબાદ હાઇકોર્ટે પહેલી ઓક્ટોબરે સુઓ મોટો આ કેસ પોતાના હાથમાં લેતાં ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ, પોલીસ વડા, જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્યોને પોતાની સમક્ષ  હાજર થવાનો આદેશ આપ્યો હતો. પીડિતાના પરિવારને પણ આજે કોર્ટમાં હાજર કરવાનો આદેશ હાઇકોર્ટે આપ્યો હતો. એટલે આજે સંબંધિત પોલીસ અધિકારી, રાજ્યના ગૃહ સચિવ, પીડિતાનો પરિવાર વગેરે બધાં હાઇકોર્ટમાં રજૂ થશે. અત્યાર અગાઉ આ પરિવાર એવી જાહેરાત કરી ચૂક્યો હતો કે અમને મોઢું બંધ રાખવાની ધમકી સતત મળતી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.