કંડલા પોર્ટે વિક્રમ સર્જ્યો ,127.10 મિલિ.મેટ્રિક ટન માલસામાનની હેરફેર નો નવો વિક્રમ…

ભારત સરકારે જણાવ્યું હતું કે, વૈશ્વિક ક્ષેત્રે કોરોના અને યુદ્ધના ઘેરાયેલા સંકટ વચ્ચે પણ દેશમાં દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે હરણફાળ છે. દેશના મહાબંદર દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ આયાતનિકાસ ક્ષેત્રે 127.10 મિલિયન મેટ્રિક ટન માલ સામાનની દરિયાઈ માર્ગે હેરફેર કરીને અત્યાર સુધી દરિયાઈ વ્યાપારમાં સૌથી વધુ માલ સામાનની હેરફેર કરવાનો નવો જ વિક્રમ રચ્યો છે. 59મા રાષ્ટ્રીય વહાણવટા દિવસની શુભેચ્છાઓ આપતાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન એસ.કે. મહેતાએ જણાવ્યું હતું કે, વર્ષ 2021-22 દરમ્યાન 127.10 મિલિ.મેટ્રિક ટન માલ સામાનની હેરફેર કરાઈ છે.અને જે દેશના મહાબંદરોમાં અત્યાર સુધીની સર્વાધિક માલસામાનની હેરફેર છે.

આ નાણાકીય વર્ષ દરમ્યાન કંડલા મધ્યે 3151 વહાણો લાંગર્યા હતા. દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે થયેલી હરણફાળને પગલે દીનદયાળ પોર્ટ કંડલાની નાણાકીય આવકમાં પણ વધારો નોંધાયો છે. વર્ષ 2020-21 માં ઓપરેટિંગ આવક 1717.95 કરોડ હતી જે 2021-22 માં વધીને 1824.89 કરોડ નોંધાઈ છે. જે પાછલા વર્ષ કરતાં 106.94 કરોડનો વધારો દર્શાવે છે.અને અહીં લિકવિડ કાર્ગો, ડ્રાય કાર્ગો તેમ જ કન્ટેનર કાર્ગો માટે પૂરતી સુવિધાઓ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કાર્યરત કરાયેલા સાગરમાલા યોજના અંતર્ગત દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા દ્વારા આયાત નિકાસકારોની સુવિધા માટે સુગઠિત માળખાકીય સવલતો ઉપલબ્ધ છે. તેમ જ સાગરમાલા યોજના અંતર્ગત વર્તમાન અને આવનારા સમયને ધ્યાને લઈને પોર્ટ ઓથોરિટી દ્વારા સતત આયોજનબદ્ધ નિર્ણયો સાથે વિકાસ કાર્યો કરાઈ રહ્યા છે. ચેરમેન એસ.કે. મહેતાએ આપેલી વધુ માહિતી અનુસાર અત્યારે ઘઉં, ખાંડ, ચોખાની નિકાસ વધી હોઈ તેને ઝડપભેર નિકાસ માટે પ્રાધાન્ય અપાય છે અને ખાતર તેમ જ કોલસાના આયાતકારો ની સુવિધા અર્થે કન્વેયર બેલ્ટની સુવિધા વિકસાવાઈ રહી છે. કંડલા મધ્યે રો રો સર્વિસ શરૂ કરાશે જે વિશાળકાય પ્રોજેક્ટના માલસામાનની હેરફેર કરી શકશે.

તેમ જ જૂના તુણા બંદરને પુનર્જીવિત કરી વિકસાવવાનું આયોજન છે. પોર્ટની અંદર રેલ્વે નેટવર્કને વિકસાવાઈ રહ્યું છે. ફાઈવ-જી નેટવર્કનો પાયલોટ પ્રોજેક્ટ બંદરે શરૂ થઈ રહ્યો છે, દેશમાં આવું નેટવર્ક ધરાવનાર આ પ્રથમ મહાબંદર હશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ડિજિટલ ક્રાંતિ વ્યાપારની સુવિધાઓ વધારશે. લિકવીડ કાર્ગોની હેરફેર માટેની સુવિધા ધરાવતા વાડીનાર મધ્યે ડ્રાય કાર્ગો હેરફેર થઈ શકે તેવું આયોજન છે.અને પોર્ટના વાઇસ ચેરમેન નંદિશ શુક્લા, અધિકારીઓ સી. હરિશ્ચંદ્રન, વાય.કે. સિંઘ, પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ પૂરક વિગતો આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.