દિવાળી સમયે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલ પ્રાણીસંગ્રહાલય ખાતે નવું આકર્ષણ ઉમેરાયું છે. નવા આકર્ષણ સાથે પ્રાણી સંગ્રહાલય ખાતે પશુ-પક્ષીઓની સંખ્યા 2100 ઉપર પહોંચી ગઈ છે. તો દિવાળીને લઈને પણ ઝૂ ખાતે ભીડ થતી હોવાથી વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે.
અમદાવાદ: અમદાવાદનું કાંકરિયા અને તેમાં પણ પ્રાણીસંગ્રહાલય કે જે રાજ્ય અને દેશભરમાં પ્રચલિત છે. અહીં દરરોજ હજારો લોકો મુલાકાત લે છે. અહીં આવીને લોકો તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલ સેકા અને આકર્ષણની મજા માણે છે. તો આ દિવાળી પર કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને ભેટ મળી છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 8 નવા પ્રાણીઓ ઉમેરવામાં આવ્યા છે. 2 નવી વાઘણ તેમજ 6 નવા દીપડા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યા છે. ત્યારે આજે ધારાસભ્ય અમિત શાહ અને કોર્પોરેશનના ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર દ્વારા લોકોની મુલાકાત માટે ખુલ્લા મુકવામાં આવ્યા. તેની સાથે જ હવે આજથી મુલાકાતીઓ 2 નવી વાઘણ અને 6 દીપડાને પણ નિહાળી શકશે.
કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં નવા પ્રાણીઓ ઉમેરવા માટે નાગપુરના ગોરેવાડા ઝૂથી પ્રાણીઓનો વિનિમય કરીને એટલે કે 19 જેટલા પશુ-પક્ષી આપીને તેની સામે 26 સપ્ટેમ્બરના રોજ 2 વાઘણ તેમજ 3 જોડ એમ 6 દીપડાઓ ગોરેવાડા ઝૂથી કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીની નવી દિલ્હીના નીતિ નિયમ મુજબ એક મહિના સુધી આ પ્રાણીઓને કવોરેન્ટાઈનમાં રાખવાના હોવાથી તેઓને કવોરેન્ટીન માટે વિશિષ્ટ પ્રકારના વાતાવરણમાં મુલાકાતીઓથી દુર રાખવામાં આવ્યા હતા. આ પ્રકારની કામગીરી કરવાથી નવા આવેલ પ્રાણીઓ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના વાતાવરણ સાથે ટેવાઈ ગયા છે અને તેઓ તંદુરસ્ત પણ છે. આજથી તેઓને મુલાકાતીઓ માટે ખુલ્લા મુકાયા છે.
એટલું જ નહીં, પણ દિવાળી સમયે નવું નજરાણું ઉમેરાતા કાંકરિયા પ્રાણીસંગ્રહાલયને દિવાળીની ભેટ મળી છે. સાથે જ દિવાળી સમયે કાંકરિયા ઝુ ખાતે મુલાકાતીઓની ભીડ રહેતી હોય છે. જ્યાં તહેવાર સમયે દરરોજ લગભગ 25 હજાર જેટલા લોકો મુલાકાત લેતા હોય છે. ત્યારે દિવાળીને ધ્યાને રાખી ઝૂ ખાતે 4 થી 11 ઓક્ટોબર સુધી સિક્યોરિટી અને ગાઈડમાં વધારો કરાયો છે. સાથે જ ઓનલાઈન અને ઓફલાઇન ટિકિટ વ્યવસ્થા પણ કરાઈ છે. જેથી મુલાકાતીઓને હાલાકી ન પડે. દિવાળી પર્વને લઈને અને નવા નજરાણાને લઈને ઝૂ ખાતે આવનાર મુલાકાતીઓની પણ સારી પ્રતિક્રિયા સામે આવી છે.
હાલમાં અમદાવાદ ઝૂ ખાતે એક સિંહ અને બે સિંહણ, એક સફેદ વાઘણ અને ત્રણ વાઘણ, નવ દિપડા જેમાં 4-નર અને 5 માદા, 1-રીંછ, 1-હાથી, 2-હિપોપોટેમસ, 9 શિયાળ, અને મોટી સંખ્યામાં પક્ષીઓ અને સરીસૃપો મળી 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલા છે. જેને જોવાની મજા લોકો માણી રહ્યા છે. જેમાં વધુ નવા નજરાણા ઉમેરાતા લોકોને ઝૂ ખાતે વધુ મનોરંજન પણ મળી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.