નવી દિલ્હી: અનુચ્છેદ 370 હટાવ્યા પછીથી વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહી છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે સોમવારે દિલ્હીમાં કહ્યું છે કે, રાજ્યના મોટાભાગના ગેસ્ટ હાઉસ જેલમાં ફેરવાઈ ગયા છે. તેમાં રાજકીય નેતાઓને કેદ કરીને રાખવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ ભાજપ મહાસચિવ રામ માધવે ઔરંગાબાદમાં કહ્યું છે કે, અનુચ્છેદ 370 હટાવવા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં લઈને બેથી અઢી હજાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ હવે માત્ર 200-250 લોકો જ અટકાયતમાં છે.
આઝાદે એવો પણ આરોપ લગાવ્યો છે કે, જે લોકો મને મળવા આવે છે તેમની સાથેની વાતચીત રેકોર્ડ કરવામાં આવી રહી છે. જો તમે (મીડિયા) આ બધુ જાણો છો તો પછી સાચુ બોલવાની હિમ્મત કોણ દાખવશે? અનુચ્છેદ 370 હટાવવા દરમિયાન લગાવવામાં આવેલા પ્રતિબંધોના કારણે જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થા ઉપર ખૂબ ખરાબ અસર થઈ છે. સૌથી વધારે ખરાબ અસર નાના દુકાનદારો અને રોજીંદા મજૂરોને થઈ છે. મજૂરો પાસે તો ખાવાના પણ પૈસા નથી. અમને જેટલો અંદાજ હતો સ્થિતિ તેના કરતાં વધારે ખરાબ છે. બારામૂલામાં મને મજૂરોને મળતા રોકવામાં આવ્યો હતો.
ઘણાં નેતા 5 સ્ટાર ગેસ્ટ હાઉસમાં અટકાયતમાં
રામ માધવે કહ્યું, જમ્મુ-કાશ્મીરમાં આજે માત્ર 200-250 લોકોને સુરક્ષાના કારણો અંતર્ગત અટકાયતમાં રાખવામાં આવ્યા છે. ઘણાં નેતા 5 સ્ટાર ગેસ્ટ હાઉસમાં તો ઘણાં 5 સ્ટાર હોટલોમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે.
હૈદરાબાદમાં સોમવારે ઓલ ઈન્ડિયા મુત્તાહિદ ઈત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ કહ્યું- કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરની સાચી સ્થિતિ નથી બતાવતી. ત્યાં જાહેર કર્યા વગરની ઈમરજન્સી જેવી હાલત છે. કેમ સફરજનના વેપારીઓને તેમનો સામાન વેચવા દેવામાં નથી આવતો? કેમ સ્કૂલો બંધ છે? જો તેઓ એવું માને છે કે, લોકોને ખોટી માહિતી આપીને ઉલ્લુ બનાવી શકાશે તો તે તેમની ભૂલ છે. હવે દેશ સત્ય જાણે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.