કટોકટી દરમિયાન જેલમાં ગયેલાનું પેન્શન બંધ, ઉદ્ધવ ઠાકરેની સરકારે જાહેરાત કરી

– ‘સરકારી તિજોરી આ ખર્ચ ઊઠાવી શકે એટલી સદ્ધર નથી’

 

સદ્ગત વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન જેલમાં ગયેલા લોકોનું પેન્શન બંધ કરવાની જાહેરાત મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કરી હતી. અગાઉની સરકારે મીસા હેઠળ જેલમાં ગયેલા લોકો માટે આ પેન્શન 2018ના જુલાઇથી શરૂ કર્યું હતું. એ સમયે મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપની સરકાર હતી. હાલની ત્રિપક્ષી સરકારે આ પેન્શન તત્કાળ અમલમાં આવે એ રીતે બંધ કરવાની જાહેરાત કરી હતી.

હાલના મુખ્ય પ્રધાન શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ આ જાહેરાત કરતાં કહ્યું હતું કે રાજ્યની તિજોરી આ ખર્ચ ઊઠાવી શકે એટલી સદ્ધર રહી નથી એટલે આ પેન્શન યોજના બંધ કરવાનો ઠરાવ રાજ્ય વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો. ઉદ્ધવે એ માટે એવું કારણ રજૂ કર્યું હતું કે કોરોના મહામારીને કારણે હાલ રાજ્ય આર્થિક ટંચાઇ સહન કરી રહ્યું હતું. એને કારણે કેટલાક ખર્ચ તત્કાળ બંધ કરવાની સરકારને ફરજ પડી હતી.

કટોકટી દરમિયાન મીસા હેઠળ જેલમાં ગયેલા લોકોને દર મહિને 10 હજાર રૂપિયા પેન્શન રૂપે મળતા હતા. સામાન્ય છાપ એવી છે કે મોટે ભાગે જનસંઘના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓને ઇંદિરા ગાંધીની સરકારે કટોકટી દરમિયાન જેલમાં પૂર્યા હતા. 1975ના જૂનની 25મીએ આંતરિક કટોકટી લાગુ પાડવામાં આવી હતી જે બે વર્ષ અમલમાં રહી હતી.

હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સહિયારી સરકાર છે. અગાઉ ભાજપની સરકાર હતી ત્યારે શિવસેના પાસે પૂરતું સભ્યબળ નહોતું. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં શિવસેનાનું સંખ્યાબળ વધતાં એણે કેટલીક શરતોએ ભાજપને ટેકો આપવાની તૈયારી દાખવી હતી.

ભાજપને એ શરતો સ્વીકાર્ય નહોતી એટલે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસના ટેકાથી પોતાની સરકાર સ્થાપી હતી. ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા હતા અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેને પણ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.