દિલ્હીમાં ચૂંટણીનું મેદાન તૈયાર થઈ ચુક્યું છે. ચૂંટણી આયોગ આજે જ તારીખોની જાહેરાત કરવા જઇ રહ્યું છે. આની ઠીક પહેલા કેન્દ્રિય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં સાયકલ ટ્રેકનું ખાતમુહૂર્ત કર્યું અને આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સરકાર પર વિકાસનાં નામે જનતાની આંખોમાં ધૂળ ફેંકવાનો આરોપ લગાવ્યો છે. રાજધાની દિલ્હીમાં સોમવારનાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, “કેજરીવાલજી તમે દિલ્હીમાં 15 લાખ સીસીટીવી કેમેરા લગાવવાનું કહ્યું હતુ, જેને આજે પણ દિલ્હીની જનતા શોધી રહી છે કે ક્યાં લાગ્યા છે?”
અમિત શાહે કહ્યું કે, “વાઈ-ફાઈ શોધતા શોધતા લોકોની બેટરી ખત્મ થઈ જાય છે, પરંતુ વાઈ-ફાઈ મળતુ જ નથી.” આ ઉપરાંત અમિત શાહે કેજરીવાલ સરકાર પર અંતિમ દિવસોમાં ઘોષણાઓ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, “દિલ્હીમાં 5 વર્ષની જગ્યાએ 5 મહિનાની સરકાર ચાલી છે. 5 વર્ષમાં કેજરીવાલ સરકારે કંઇ કર્યું નહીં, બસ 5 મહિનામાં જાહેરાતો આપીને દિલ્હીની જનતાની આંખોમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે.”
આ ઉપરાંત અમિત શાહે અરવિંદ કેજરીવાલ પર વ્યક્તિગત હુમલો પણ કર્યો. શાહે કહ્યું કે, “જ્યારે અરવિંદ કેજરીવાલ ચૂંટણી જીત્યા તો કહ્યું કે ગાડી, બંગલો કંઇ જ નહીં લઉં, પરંતુ થોડાક દિવસો બાદ જ બધું લઈ લીધું.” ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ફ્રી વાઈ-ફાઈનો વાયદો કર્યો હતો. ડિસેમ્બર 2019માં જ કેજરીવાલ સરકારે આ સેવાનાં પહેલા તબક્કાની અંતર્ગત 3 હજાર હૉટસ્પોટની જાહેરાત કરી છે. કેજરીવાલે ડિસેમ્બરમાં આ યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, 3 મહિનામાં દિલ્હીમાં કુલ 11000 હૉટસ્પોટ લાગશે અને દરેક દિવસે દરેક યૂઝરને 15જીબી ફ્રી ડેટા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.