નિયમિત શાળાની જેમ જ ઓનલાઇન ક્લાસ ચલાવાતા હોવાની ફરિયાદ પછી ગાઇડલાઇન જારી
કોરોનાને પગલે ૧૬ માર્ચથી શાળા-કોલેજો બંધ
માનવ સંશાધન વિકાસ મંત્રાલયે શાળાઓ માટે ઓનલાઇન ક્લાસ માટેના દિશાનિર્દેશ જારી કર્યા છે. શાળાઓ દ્વારા નિયમિત શાળાની જેમ ઓનલાઇન કલાસ ચલાવવામાં આવતા હોવાની વાલીઓની ફરિયાદ પછી કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા આ દિશાનિર્દેશ જારી કરવામાં આવ્યા છે.
એચઆરડી મંત્રાલય દ્વારા જારી કરાયેલા દિશાનિર્દેશ મુજબ પૂર્વ પ્રાથમિકના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન કલાસનો સમય ૩૦ મિનિટથી વધુનો હોવો ન જોઇએ. ધો. ૧ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ૪૫ મિનિટના બે ઓનલાઇન સેશનથી વધારે ન હોવા જોઇએ. ધો. ૯ થી ૧૨ના વિદ્યર્થીઓ માટે ૩૦ થી ૪૫ મિનિટના ચાર ઓનલાઇન સેશનથી વધારે ન હોવા જોઇએ.
કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકના જણાવ્યા અનુસાર કોરોના મહામારીને પગલે શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે. જેના કારણે દેશના ૨૪ કરોડ બાળકોના શિક્ષણ પર વિપરિત અસર પડી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે શાળાઓ અને કોલેજો ૧૬ માર્ચથી બંધ છે. દેશવ્યાપી લોકડાઉન ૨૪ માર્ચથી અમલમાં આવ્યો હતો. જો કે શાળા અને કોલેજો તેની પહેલા એટલે કે ૧૬ માર્ચથી જ બંધ કરી દેવામાં આવી હતી. સરકાર લોકડાઉનમાં તબક્કાવાર રાહત આપી રહી છે પણ શાળા અને કોલેજો હજુ પણ શરૃ કરવામાં આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.