કેન્દ્ર વારંવાર લોન મોરેટોરિયમનો મુદ્દો ટાળી રહી છે, અંતિમ વખત સુનાવણી પાછી ઠેલીએ છીએ : સુપ્રીમ

કોરોના કાળમાં લોન મોરેટોરિયમ મુદ્દે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ચેતવણી આપી હતી કે આ અંતિમ વખત સુનાવણી પાછી ઠેલી રહ્યા છીએ. આ દરમિયાન બધા તમારો જવાબ દાખલ કરો અને આ મુદ્દે નક્કર યોજના સાથે અદાલત આવો.

સાથે જ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી બે સપ્તાહ પાછી ઠેલી હતી. વધુમાં સુપ્રીમ કોર્ટે 31મી ઑગસ્ટ સુધી એનપીએ ન થઈ હોય તેવા લોન ડિફોલ્ટરને એનપીએ જાહેર ન કરવાનો વચગાળાનો આદેશ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. સુપ્રીમે લોન મોરેટોરિયમ મુદ્દે કેન્દ્રને જવાબ દાખલ કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 28મી સપ્ટેમ્બરે થશે.

આ કેસની સનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે લોન મોરેટોરિયમના સમય દરમયાન હપ્તાની મુલતવી પર બેન્કો દ્વારા વસૂલવામાં આવતા વ્યાજના મુદ્દે ઉચ્ચ સ્તરે વિચારણા ચાલી રહી છે. લોનધારકોને રાહત માટે બેન્કો અને અન્ય હિસ્સેદારો સાથે ચર્ચામાં બે આૃથવા ત્રણ તબક્કાની બેઠક થઈ ગઈ છે.

કેન્દ્ર સરકારે આ મુદ્દે બે સપ્તાહનો સમય માગ્યો હતો. આ અંગે કોર્ટે પૂછ્યું હતું કે આ બે સપ્તાહમાં શું થવાનું છે? તમારે વિવિધ ક્ષેત્રો માટે કંઈક નક્કર કરવું પડશે. જસ્ટિસ અશોક ભૂષણના અધ્યક્ષપદે ત્રણ જજોની બેન્ચ માસિક હપ્તા પર વ્યાજની વસૂલાત સામેની અરજીના કેસની સુનાવણી કરી રહી છે.

ન્યાયાધીશો આર. સુભાષ રેડ્ડી અને એમ. આર. શાહ પણ આ બેન્ચમાં સામેલ છે. બેન્ચને કેન્દ્રને સ્પષ્ટ નિર્દેશ આપતાં જણાવ્યું હતું કે, આગામી સુનાવણી વખતે કેન્દ્ર સરકાર મોરેટોરિયમ સમય દરમિયાન ચક્રવૃદ્ધિ વ્યાજની વસૂલાત અને ક્રેડિટ રેટિંગ/ડાઉનગ્રેડિંગ સંબંધે ચોક્કસ માહિતી સાથે આવે, જેથી યોગ્ય આદેશ આપી શકાય.

કેન્દ્ર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, બે સપ્તાહના સમયમાં કેન્દ્ર સરકાર યોગ્ય સોગંદનામુ દાખલ કરશે અને સરકાર તેમજ આરબીઆઈના સુસંગત નિર્ણયો અને નિર્દેશો રેકોર્ડ પર લાવશે.

તેમણે ઉમેર્યું હતું કે કોરોના મહામારી દરમિયાન સમસ્યાનો સામનો કરતાં વિવિધ સેક્ટર્સને કેવી રીતે લાભ આપી શકાય તે અંગે બે સપ્તાહમાં યોગ્ય નિર્ણય લેવાશે. બેન્ચે મહેતાને સ્પષ્ટ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સંપૂર્ણ સ્પષ્ટતા સાથે નક્કર નિર્ણયો લે, જેથી આ કેસને ફરીથી મુલતવી રાખવાની જરૂર ન પડે.

અરજદાર વતી હાજર થયેલા વકીલે અન્ય સેક્ટર્સ ઉપરાંત વ્યક્તિગત લોન્સ સંબંધે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, કોરોના મહામારીની લોકો પર વધુ વિપરિત અસર થઈ છે. અગાઉની સુનાવણીમાં અરજદારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, આરબીઆઈ અને વિવિધ બેન્કોના લોન મોરેટોરિયમના નિર્ણયથી લોન લેનારાઓને રાહત મળવાના બદલે તેમના પર બેવડો બોજો પડી રહ્યો છે.

વ્યાજ પર વ્યાજની વસૂલાત માટે બેન્ક તેને ડિફોલ્ટ માની રહી છે, પરંતુ લોન અમારા તરફથી ડિફોલ્ટ નથી. બધા સેક્ટર્સને નુકસાન થયું છે, પરંતુ આરબીઆઈ ઈચ્છે છે કે બેન્કો કોવિડ-19ના મુશ્કેલ સમયમાં પણ કમાણી કરે અને લોનધારકોની વિનંતીની અવગણના કરાઈ છે. અરજદારે દલીલ કરી હતી કે, આરબીઆઈ દેશમાંથી લૂંટાયેલા કરોડો રૂપિયાથી જાગી નથી.

આરબીઆઈ કાયદાકીય નિયામક છે, બેન્કોની એજન્ટ નહીં. વ્યાજ પર વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ એકદમ ખોટું છે અને તે વસૂલી શકાય નહીં. ઉદ્યોગોને રાહત આપવા માટે આઈબીસીનો અમલ પાછો ઠેલાયો, પરંતુ લોનધારકોનું શું? બીજીબાજુ રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે ક્રેડાઈએ કહ્યું કે વ્યાજની વસૂલાતથી એનપીએમાં વધારો થશે.

વ્યાજ માફ ન કરવામાં આવે તો બેન્ક ખાતેદારોને જેટલું વ્યાજ આપે છે તેટલા નીચા સ્તરે લાવવું જોઈએ અને ઓછામાં ઓછા છ મહિનાનો સમય આપવો જોઈએ. એક અરજદાર તરફથી હાજર થતાં વરિષ્ઠ વકીલ કપિલ સિબલે માગણી કરી હતી કે વ્યાજ માફીની અરજી પર ચૂકાદો આવે નહીં ત્યા સુધી મોરેટોરિયમનો સમય લંબાવવામાં આવે.

આરબીઆઈની સુવિધા ગ્રાહકો માટે બોજારૂપ

નવી દિલ્હી, તા.10

દેશમાં કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે આરબીઆઈએ માર્ચમાં લોકોને મોરેટોરિયમ એટલે કે લોનના માસિક હપ્તાની ચૂકવણી 3 મહિના એટલે કે માર્ચથી મે મહિના સુધી ટાળવાની સુવિધા આપી હતી. પાછળથી આ સુવિધા 3 મહિના એટલે કે 31મી ઑગસ્ટ સુધી લંબાવાઈ હતી. જોકે, આરબીઆઈએ કહ્યું હતું કે, લોનના હપ્તા છ મહિના સુધી નહીં ચૂકવો તો તેને ડિફોલ્ટ માનવામાં નહીં આવે, પરંતુ મોરેટોરિયમ પછી બાકી પેમેન્ટ પર પૂરૂં વ્યાજ ચૂકવવું પડશે. વ્યાજની કેટલીક શરતોને કેટલાક ગ્રાહકોએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમની દલીલ છે કે આરબીઆઈની મોરેટોરિયમની સુવિધા ગ્રાહકો માટે બોજારૂપ બની રહી છે. મોરેટોરિયમમાં વ્યાજ પર છૂટ મળવી જોઈએ, કારણ કે વ્યાજ પર વ્યાજની વસૂલાત ખોટું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.