કેન્દ્રની નીતિઓ સામે 10મીએ સંઘના મજૂર સંગઠનનું દેશવ્યાપી આંદોલન

-મોદી સરકાર સોનાનું ઇંડુ આપનારી મરઘી (સરકારી એકમો)ને જ મારી નાખવા માગે છે : ભારતીય મજૂર સંઘ

 

સરકારી એકમોનું ખાનગીકરણ કરવા જઇ રહેલી મોદી સરકાર સામે હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના પેટા સંગઠનો મેદાને ઉતર્યા છે. ભારતીય મઝદૂર સંઘ(બીએમસી)એ જાહેરાત કરી છે કે તે ૧૦મી જુને દેશ વ્યાપી આંદોલન કરશે અને કેન્દ્રની મોદી સરકારની ખોટી નીતિઓનો ઉગ્ર વિરોધ કરશે. આ સંગઠનનો આરોપ છે કે કેન્દ્ર સરકાર પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ (પીએસયુ)નું ખાનગીકરણ કરવા જઇ રહી છે તેનો અમે વિરોધ કરીએ છીએ.

કોલસા, સંરક્ષણ, રેલવે, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ, બેકિંગ, ઇન્સ્યોરંસ, સ્ટીલ જેવા મોટા ક્ષેત્રોમાં કામ કરતા મજૂરો સાથે સંકળાયેલા ભારતીય મઝદૂર સંઘે આ નિર્ણય લીધો તે પહેલા બે દિવસ સુધી આ મુદ્દે ચર્ચાઓ કરી હતી. ટ્રેડ યુનિયને કહ્યું હતું કે સરકારને આ સરકારી એકમોનું ખાનગીકરણ કરવાનો કોઇ જ નૈતિક હક નથી. અમારા આંદોલનનું સુત્ર સેવ પબ્લિક સેક્ટર સેવ ઇન્ડિયા હશે. યુનિયનનો આરોપ છે કે કેન્દ્ર સરકારે મજૂર સંગઠનોની સાથે કોઇ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર જ આ નિર્ણય લઇ લીધો છે. સરકારે સરકારી એકમોનું ખાનગીકરણ કરવાનો જે નિર્ણય લીધો છે તે મજૂર વિરોધી છે.

ભારતીય મજૂર સંઘ ઉપરાંત દેશના અન્ય મોટા ૧૦ મજૂર સંગઠનોએ પણ હાથ મિલાવી લીધા છે, જોકે અન્ય સંગઠનો જુલાઇ મહિનાના પહેલા સપ્તાહમાં આંદોલન કરવા જઇ રહ્યા છે જ્યારે ૧૦મી જુને મજૂર સંગઠન આંદોલન કરશે. બીજી તરફ આરએસએસના પેટા સંગઠન ભારતીય મજૂર સંઘના ઝોનલ સેક્રેટરીએ એલાન કર્યું છે કે અમે પુરા દેશમાં ૧૦ જૂને આંદોલન કરવા જઇ રહ્યા છીએ. મોદી સરકાર સુધારાના નામે મજૂરો વિરોધી નિર્ણયો લઇ રહી છે.

આ રિફોર્મ પેકેજ દેશના હિતના વિરુદ્ધમાં છે. સરકાર સોનાનું ઇંડુ આપનારી મરઘીને જ મારી નાખવા માગે છે. માટે અમે નક્કી કર્યું છે કે સેવ પબ્લિક સેક્ટર, સેવ ઇંડિયા આંદોલન ચલાવીશું. બે દિવસ પહેલા જ નાણા પ્રધાન નિર્મલા સિતારામને જાહેરાત કરી હતી કે સરકારી એકમોમાં ખાનગી કંપનીઓને રોકાણ માટે આવકારવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.