કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંઘ શેખાવતને હાઇકોર્ટની નોટિસ, સંજીવની ક્રેડિટ સોસાયટીના કૌભાંડમાં કુલ 17ને નોટિસ

– કરોડો રૂપિયાની ગોલમાલનું કૌભાંડ થયુ

સંજીવની ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના કરોડો રૂપિયાના કૌભાંડના કેસમાં રાજસ્થાન હાઇકોર્ટે કેન્દ્ર સરકાર સહિત 17 વ્યક્તિને નોટિસ મોકલી હતી જેમાં કેન્દ્રના પ્રધાન ગજેન્દ્ર સિંઘ શેખાવતનો પણ સમાવેશ થયો હતો.

આ કિસ્સાની વિગતો કંઇક આ પ્રકારની છે. 2008માં રાજસ્થાન સોસાયટી એક્ટ હેઠળ સંજીવની કો-ઓપરેટિવ સોસાયટી રચવામાં આવી. એના પહેલા મેનેજિંગ ડાયરેક્ટર વિક્રમ સિંઘ હતા. જે 17 જણને હાઇકોર્ટે નોટિસ મોકલી છે એમાં વિક્રમ સિંઘનો પણ સમાવેશ થાય છે.

2010માં આ સોસાયટીને મલ્ટિ સ્ટેટ સોસાયટી તરીકે પરિવર્તિત કરાઇ. બોગસ પોસ્ટરો અને પ્રચાર દ્વારા હજારો લોકો પાસે મૂડી રોકાણ કરાવાયું. આશરે 900 કરોડનું આ કૌભાંડ હતું. જેમણે મૂડી રોકાણ કર્યું હતું એમને વ્યાજ કે ડિવિડન્ડ તો ઠીક, મૂળ રકમ પણ પાછી મળી નહોતી.

રાજસ્થાન હાઇકોર્ટમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર ડિવિઝનલ બેંચ સમક્ષ એની સુનાવણી નીકળી હતી. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ મોકલી હતી.

આ કૌભાંડની પાછળ મેનેજિંગ ડાયરેક્ટર વિક્રમ સિંઘનું ભેજું હોવાનું કહેવાય છે. તેમની ધરપકડ પણ પોલીસે કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.