નવી દિલ્હીઃ આર્થિક તંગીનો સામનો કરી રહેલી સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલ અને એમટીએનએલમાં પ્રાણ ફૂંકવા માટે કેન્દ્ર સરકારે બુધવારે રૂ. 68,751 કરોડના પેકેજને મંજૂરી આપી હતી. આ કંપની બંધ થવાની અટકળો ફગાવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં બીએસએનએલ અને એમટીએનએલના વિલયને પણ સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. વિલયની પ્રક્રિયા પૂરી થવા સુધી એમટીએનએલ બીએસએનએલની સહાયક તરીકે કામ કરશે. ખાનગી કંપનીઓની સરખામણીમાં આ કંપનીઓને મજૂબત કરવા 4જી સ્પેક્ટ્રમની પણ વહેંચણી કરાશે. આ સાથે પગારનો બોજ ઘટાડવા 50 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિ અપાશે.
આ નિર્ણયોની જાણકારી આપતા દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, બીએસએનએલ અને એમટીએનએલને લઈને સરકાર સ્પષ્ટ છે. આ કંપનીઓ ભારતની વ્યૂહાત્મક સંપત્તિ છે. સેનાના સમગ્ર નેટવર્કનું મેઈન્ટેનન્સ બીએસએનએલ કરે છે. હવે બંને કંપનીને ફાયદામાં લાવવાની જવાબદારી કર્મચારીઓ પર છે. એમટીએનએલ દિલ્હી અને મુંબઈમાં સર્વિસ આપે છે, જ્યારે બીએસએનએલ આ બંને શહેર સિવાય સમગ્ર દેશમાં કોમ્યુનિકેશન સર્વિસ આપે છે. સ્પર્ધામાં પાછળ પડવાના કારણે આ બંને કંપની આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. નોંધનીય છે કે, આ બંને કંપની પર આશરે રૂ. 40 હજાર કરોડનું દેવુ છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, વીઆરએસ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, તે કોઈના પર થોપાશે નહીં. આ યોજના પસંદ કરનારા 53.5 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને તેમની રકમના 125% અપાશે, જે તેઓ 60 વર્ષની સેવા આપ્યા પછી કમાવાના હતા. આ ઉપરાંત 50થી 50.5 વર્ષની ઉંમરના કર્મચારીઓ બચેલા સેવાકાળમાં મળનારી રકમનો 80થી 100% હિસ્સો મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.