કેરળમાં કોવિડ સેન્ટરના 900 ડૉક્ટરોનાં રાજીનામાં, વાયદા મુજબનો પગાર ન મળ્યો

કોરોના વાયરસ સામેની લડતમાં સહભાગી થનારા ડૉક્ટરો સાથે અન્યાય થતાં કેરળના કોવિડ સેન્ટર સાથે સંકળાયેલા 900 ડૉક્ટરોએ સાગમટે રાજીનામાં ધરી દીધાં હતાં. આ ડૉક્ટરોને કોવિડ સેન્ટરમાં કોરોના વૉરિયર્સ તરીકે લીધા ત્યારે કરેલા વાયદા મુજબ પગાર ચૂકવવામાં થયેલા અખાડાના પગલે ડૉક્ટરોએ આ આત્યંતિક પગલું લીધું હતું.

કેરળ જુનિયર ડૉક્ટર એસોસિયેશનના 2020-21ના અધ્યક્ષ ડૉક્ટર ઉસ્માન હુસૈને કહ્યું કે અમને મહિને 42 હજાર રૂપિયાના પગારનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ પગાર આપવાનો આવ્યો ત્યારે રાજ્ય સરકારે કોઇ કારણ વિના રૂા. 8,400 કાપી લીધા હતા. એેને માટે કોઇ વાજબી કારણ આપવામાં આવ્યું નહોતું. સાથોસાથ ટીડીએસ અને ટેક્સ પણ કાપવામાં આવ્યો હતો. આમ અમને મહિને રૂા.27 હજાર ચૂકવાતા હતા.

એસોસિયેશને આ મુદ્દે રાજ્યના મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાનને પત્ર લખીને દરમિયાનગીરી કરવાની વિનંતી કરી હતી પરંતુ કોઇ પ્રતિભાવ મલ્યો નહોતો. હાલ કેરળમાં સક્રિય કોરોના કેસનો આંકડો 76 હજાર 524નો થયો હતો. એમાંથી 2111 પેશન્ટ સાજા થઇ જતાં એમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી  હતી. રાજ્યના આરોગ્ય પ્રધાન કેકે શૈલજાએ મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે હાલ રાજ્યમાં 19 હજાર 94 પેશન્ટો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બીજા એક લાખ 96 હજાર 582 લોકો ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ હતા. સંક્રમણના કિસ્સામાં 14 વ્યક્તિ વિદેશથઈ આી હતી અને 36 જણ અન્ય રાજ્યોમાંથી આવ્યા હતા. 1059 વ્યક્તિ પહેલેથી કોરોનાગ્રસ્ત હતી.

જો કે શૈલજાએ ડૉક્ટરોની ફરિયાદ અંગે એક અક્ષર પણ ઉચ્ચાર્યો નહોતો. 900 ડૉક્ટરો રાજીનામાં આપી ચૂક્યાં છે. આમ છતાં રાજ્ય સરકારના પેટનું પાણી હાલતું નથી.  રાજ્ય સરકારની આ ઉદાસીનતા ડૉક્ટરોને ખટકે છે કારણ કે ડૉક્ટરો પણ ચેપગ્રસ્ત થવાની પૂરી શક્યતા હોવા છતાં તેમની ફરિયાદનો કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.