થોડા સમયમાં જ ગુજરાત ભાજપની નવા માળખાની જાહેરાત થવાની છે. તેવામાં વડોદરા ભાજપના ધારાસભ્યો દ્વારા એક બાદ એક ભડાકાઓ કરવામાં આવી રહ્યા છે. પહેલાં સાવલીના ધારાસભ્ય ઈનામદારે રાજીનામું ધરી દઈને રાજકીય ભૂકંપ સર્જ્યો. પણ જીતુ વાઘાણીની મીટિંગમાં સેટિંગ કરી તેઓએ રાજીનામું પરત ખેંચ્યું હતું. જેને જોઈને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના વિસ્તારના કામ ન થતાં હોવાથી રાજીનામાની ચીમકી આપી છે. સાથે જ તેઓએ અધિકારીઓ સામે એવા શબ્દો ઉચાર્યા છે જે લખી પણ ન શકાય કે સાંભળી પણ. વાઘોડિયાના તળમાં મંદિર બનાવવા મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલી વિભાગ પાસે મંજૂરી માગી હતી. મહેસૂલ મંત્રીના કાર્યાલયમાં ફોન કરી શ્રીવાસ્તવના અંગત મદદનીશે જણાવ્યું હતું કે, મધુભાઇનું કામ આજે પણ નહીં થાય તો તેઓ રાજીનામું આપી દેશે.
આ અંગે મધુ શ્રીવાસ્તવે ગુજરાતના જ મહેસૂલ મંત્રી કૌશિક પટેલને જુઠ્ઠા કહી દીધા હતા. મધુભાઈએ જણાવ્યું કે, કૌશિકભાઇએ હજુ મારું કામ કર્યું નથી, તેઓ જૂઠ્ઠા છે. ઉલ્લેખનીય છે કે, એક બાદ એક વડોદરાના બે ધારાસભ્યો દ્વારા રાજીનામાની ચીમકી ઉચ્ચારી પોતાના કામ કઢાવવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે તેનાથી ભાજપની છબીને ઘણું નુકસાન પહોંચ્યું છે. ટૂંક સમયમાં ગુજરાત ભાજપ પ્રદેશનું માળખું બદલવાનું છે. જીતુ વાઘાણી ફરીથી પ્રદેશ પ્રમુખ બને તેવી સંભાવના છે. તેવામાં ભાજપના આ ધારાસભ્યોનું રાજીનામું આવા જ સમયે આવવું ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યું છે. રાજીનામાની રાજનીતિ પાછળ અસલી ગેમ તો કાંઈક બીજી જ રમાતી હોવાની ચર્ચા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.