ખેડૂતોની બે માગ સરકારે સ્વીકારી, કૃષિ કાયદા-ટેકાના ભાવનો ઉકેલ ન આવ્યો

– વાટાઘાટોનો છઠ્ઠો રાઉન્ડ પૂર્ણ, ચોથીએ ફરી બેઠક યોજાશે

– પરાળી-વિજળી કાયદા પર સરકાર અને ખેડૂતો બન્ને સહમત થયા, ૫૦ ટકા મુદ્દાનું નિરાકરણ આવ્યું : તોમર

– બેઠકમાં સરકારી લંચનો ઉપયોગ ન થયો : ખેડૂતો લંગરનું જે ભોજન લાવ્યા હતા તેને મંત્રીઓએ પણ આરોગ્યું

– કાયદા પરત લેવા અને ટેકાના ભાવની કાયદેસર સુરક્ષા આ બન્ને માગો ન સ્વીકારાય ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે : ખેડૂતો

કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે બુધવારે દિલ્હીના વિજ્ઞાાન ભવન ખાતે વાટાઘાટોના છઠ્ઠા રાઉન્ડની વાતચીત થઇ હતી. જોકે આ વાટાઘાટો દરમિયાન ખેડૂતોએ સરકાર સમક્ષ ચાર માગણીઓ મુકી હતી જેમાંથી બેનો સરકારે સ્વીકાર કરી લીધો છે પણ કાયદા પરત લેવા અને ટેકાના ભાવ અંગેની જે માગ હતી તેને લઇને કોઇ જ નિરાકરણ નથી આવ્યું. આ સ્થિતિ વચ્ચે હવે આગામી બેઠક ચાર જાન્યુઆરીએ યોજાવા જઇ રહી છે.

ખેડૂતોએ જે ચાર માગણી મુકી હતી તેમાં મુખ્ય માગ કૃષિ કાયદા પરત લેવા અને પાકો પર ટેકાના ભાવની કાયદાકીય ખાતરી આપવામાં આવે અને ટેકાના ભાવને કાયદાકીય સુરક્ષા આપવામા આવે તે છે. ત્રીજી માગણી પરાળી સળગાવવા બદલ ખેડૂતો સામે આકરી કાર્યવાહી ન કરવામાં આવે અને ઇલેક્ટ્રિસિટીના નવા કાયદામાં સુધારા કરવામાં આવે. સરકારે હાલ ત્રીજી અને ચોથી માગણી સ્વીકારવાની ખાતરી આપી હતી. તેથી આ વાટાઘાટોથી પણ ખેડૂતોની માગણીઓનું સંપૂર્ણ નિરાકરણ નથી આવ્યું અને મુખ્ય માગણીઓ લટકતી જ રહી ગઇ છે.

સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતનો આ છઠ્ઠો રાઉન્ડ હતો જેમાં પાંચ કલાક સુધી વિવિધ માગણીઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વાતચીત બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે આ વાતચીતથી ૫૦ ટકા મુદ્દાઓનું નિરાકરણ આવી ગયું છે અને ખેડૂતો પણ બે માગણીઓ સ્વીકારાતા સહમત છે.

જ્યારે ત્રણેય કૃષિ કાયદા અને ટેકાના ભાવ અંગેની ચર્ચા હવે આગામી ચાર તારીખની વાતચીતમાં કરવામાં આવશે. બન્ને તરફથી બે મુદ્દાઓ અંગે સહમતી બની હતી. સાથે તોમરે ખેડૂતોએ આંદોલન દરમિયાન શાંતિ અને અનુશાસન જાળવ્યું તેને બિરદાવ્યા હતા અને એવી વિનંતી કરી હતી કે આંદોલન સ્થળે જે વૃદ્ધો, બાળકો મહિલાઓ છે તેમને પોતાના ઘરે પરત જવું જોઇએ કેમ કે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.

છઠ્ઠા રાઉન્ડ દરમિયાન જ્યારે વાતચીત શરૂ થઇ હતી ત્યારે વચ્ચે લંચ બ્રેક પણ આવ્યો હતો, ખેડૂતોએ સરકાર તરફથી જે ભોજન પાણીની વ્યવસ્થા કરાઇ હતી તેને આ વખતે પણ નકારી દીધી હતી અને પોતાનું લંગરનું ભોજન સાથે લાવ્યા તેને જ ખાધુ હતું. આ લંગરનું ભોજન બેઠક સ્થળે એક વાન દ્વારા લાવવામાં આવ્યું હતું, બીજી તરફ વાટાઘાટોમાં સામેલ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પિયુષ ગોયલ વગેરેએ ખેડૂતો જે ભોજન લાવ્યા હતા તેને જ આરોગ્યું હતું.

સરકાર ખેડૂતો પ્રત્યે લાગણી દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે. વાટાઘાટો વચ્ચે કોંગ્રેસ અને શિરોમણી અકાળી દળે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ હવે ત્રણેય કૃષિ કાયદા પરત લેવા માટે સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે જ વાતચીત કરે, જો તેમ ન કર્યું તો આ સમગ્ર ચર્ચાનો કોઇ જ અંત નહીં આવે.

કોંગ્રેસના પંજાબના પ્રમુખ સુનિલ જાખરે કહ્યું કે ગૃહ મંત્રી અને વડા પ્રધાન સાથે સીધા વાતચીત વગર નિરાકરણ નહીં આવે. જ્યારે પ્રકાશસિંહ બાદલે પણ આ જ સલાહ ખેડૂતોને આપી છે. હવે આગામી ચર્ચા ચાર જાન્યુઆરીએ યોજાવા જઇ રહી છે તેમાં કૃષિ કાયદા પરત લેવા અને ટેકાના ભાવને કાયદેસર રક્ષણ આપવાની માગ પર ખેડૂતો ભાર મુકશે.

દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે જ્યારથી સરકારે ત્રણ કૃષિ કાયદાનો અમલ કર્યો છે ત્યાર પાકના ભાવમાં ૫૦ ટકાનો ઘટાડો થઇ ગયો છે. પાકને ટેકાના ભાવની નીચેના ભાવે ખરીદવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલાને સરકાર સમક્ષ ઉઠાવવામાં આવશે.

માર્યા ગયેલા આંદોલનકારી ખેડૂતોના પરિવારને વળતર આપવામાગ

ખેડૂતો કેન્દ્રના કાયદા સામે એક મહિનાથી દિલ્હીના સિંધુ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. જે દરમિયાન ૩૦થી વધુ આંદોલનકારી ખેડૂતોએ જીવ ગૂમાવ્યો છે. આ સ્થિતિ વચ્ચે ખેડૂતોની સરકાર સાથે યોજાયેલી વાટાઘાટો દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર આપવાની માગણી પણ કરવામાં આવી હતી. જોકે તે અંગે સરકાર તરફથી હજુસુધી કોઇ જ જવાબ નથી આવ્યો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.