જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કરાયા પછી પણ જે પ્રકારના દાવા થયા હતા એવો વિકાસ રાજ્યનો થયો નથી એવી આકરી ટીકા થયા બાદ કેન્દ્ર સરકાર નવું જમ્મુ અને નવું શ્રીનગર બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહી હોવાની જાણકારી મળી હતી. આ પ્રોજેક્ટ પર ખુદ વડા પ્રધાન નજર રાખી રહ્યા હોવાનું કહેવાય છે. હાલ જો કે આ પ્રોજેક્ટની વિગતો મિડિયાથી છૂપી રખાઇ હતી.
એક સરકારી પ્રવક્તાએ જણાવ્યા મુજબ કેન્દ્રનું શહેરી વિકાસ ખાતું અને જમ્મુ કશ્મીરનું સ્થાનિક વહીવટી તંત્ર આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યાં હતાં. ગયા સપ્તાહે વડા પ્રધાનના વિશ્વાસુ મનાતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા મનોજ સિંહાને જમ્મુ કશ્મીરના ઉપ-રાજ્યપાલપદે નીમીને મોકલવામાં આવ્યા હતા. એ પણ આ પ્રોજેક્ટ પર બાજ નજર રાખશે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટની વિગતો જાહેર કરાય એવી શક્યતા છે. જો કે હાલ આ વિશે સંબંધિત સૌને મોઢું બંધ રાખવાની કડક સૂચના અપાઇ હતી.
આ પ્રવક્તાએ કહ્યું હતું કે કશ્મીર ખીણ વિસ્તારમાં ડાલ સરોવરની આસપાસના વિસ્તારને એની પ્રાચીન જગપ્રસિદ્ધ રોનક બક્ષવાની બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ગીચ વસતિ છે અને છેલ્લા થોડા સમયથી એની ઇમેજ ઝાંખી પડી ગઇ હતી. પ્રદૂષણ અને પ્રવાસ પર્યટનના અતિરેકે આ વિસ્તારને ગંદો બનાવી દીધો હતો. ડાલ સરોવરની ચારેબાજુ અતિક્રમણ થયું હતું. નવા પ્રોજેક્ટમાં અતિક્રમણ ખાલી કરીને ફરી ડાલ સરોવરને એની મૂળ ચમક પાછી આપવામાં આવશે. આ પ્રવક્તાએ કહ્યું કે વડા પ્રધાન જમ્મુ અને શ્રીનગરની કાયાપલટ કરીને એને ફરી આકર્ષક બનાવવાની યોજના છે. એમાટે મબલખ ખર્ચ પણ કરવાની કેન્દ્રની તૈયારી છે.
અત્રે એ યાદ કરવા જેવું છે કે થોડા સમય પહેલાં અમેરિકાના સાંસદોએ પણ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે 370મી કલમ રદ કર્યાને એક વર્ષ થવા આવ્યું પરંતુ કશ્મીરમાં પરિસ્થિતિ નોર્મલ થઇ નથી. હજુ પહેલાં જેવુંજ વાતાવરણ છે. એ પછી કેન્દ્ર સરકારે નવા જમ્મુ અને નવા શ્રીનગર માટે પ્રોજેક્ટ તૈયાર કરવાની જવાબદારી કેન્દ્રીય નગર વિકાસ ખાતાને સોંપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.