ખુટીયો એસટી બસ નીચે ફસાઈ ગયા બાદ પાછળથી આવતી ખાનગી બસ ધડાકાભેર અથડાઈ અને પાછળ બેઠેલા મુસાફરોને નાની-મોટી ઇજા
મોરબી : મોરબી એસટી ડેપોમાં ચાલતી વધુ એક લોલમલોલ બહાર આવી છે. જેમાં સાણંદ પાસે ખુટીયો આડો ઉતર્યો હતો.પણ મોરબી-ઉદયપુર રૂટની બસમાં અણીના સમયે જ બ્રેક લાગી ન હતી તેથી ખૂટીયો એસટી બસ નીચે ફસાઈ ગયા બાદ પાછળથી આવતી ખાનગી બસ ધડાકાભેર અથડાઈ હતી જેથી એસટીમાં પાછળ બેઠેલા મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી.
રાજસ્થાન જેવા લાંબા રૂટ ઉપર ચાલતી મોરબી-ઉદયપુર રૂટની બસને ગતમોડી રાત્રે સાણંદ પાસે અકસ્માત નડ્યો હતો. આ બસમાં મુસાફરી કરી રહેલા મોરબી સામાકાંઠા વિસ્તારના એક મહિલાએ આ બનાવ અંગે જણાવ્યું હતું કે, ગઈકાલે માડી સાંજે મોરબી એસટી ડેપોમાંથી મોરબી-ઉદયપુર રૂટની બસ રવાના થઈ હતી. આ એસટી બસ ગતરાત્રે અમદાવાદથી 70 કિમિ દૂર આવેલા સાણંદ પાસે પહોંચી ત્યારે બસની આડે અચાનક ખૂટીયો ઉતર્યો હતો.
ખુટીયો આડે આવતા એસટી બસના ડ્રાઇવરે બસને કાબુમાં લેવા બ્રેક મારી હતી.પણ એસટી બસમાં બ્રેક જ લાગી ન હતી. પરિણામે ખૂટીયો આ એસટી બસની નીચે આવી ગયો હતો પણ બ્રેક ન લાગવાથી આ એસટી બસ બેકાબુ બનતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને પાછળથી આવતી એક ખાનગી બસ આ એસટી બસની પાછળ ઘુસી ગઈ હતી. આથી એસટી બસમાં પાછળ બેઠેલા અમુક મુસાફરોને થોડી ઇજા થઇ હતી.
આ સંજોગોમાં મોરબી એસટી ડેપોમાં ચેમ્બરમાં બેસી રહેતા ડેપોમેનેજર સહિતના અધિકારીઓ એસટી બસની સલામતીને લઈ ગંભીર ન હોવાનું સામે આવ્યું છે અને ખાસ કરીને લાંબા રૂટ ઉપર ચાલતી બસ પ્રત્યે પણ મેઇન્ટેનન્સમાં ધ્યાન અપાતું ન હોય નિર્દોષ મુસાફરોના જીવ સામે જોખમ સર્જાયું છે. આ સંજોગોમાં એસટીની પ્રતિષ્ઠા ખરડાવાની દુહાઈ દઈ એસટી ડ્રાઈવરને બરતરફ કરનાર એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ પગલાં ભરશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.