હનીટ્રેપમાં ફસાવવા બે યુવકોનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી

પાટણ શહેરમાં મોતીશા દરવાજા વિસ્તારમાં રહેતા એક યુવકને હની ટ્રેપમાં ફસાવી તેના મિત્ર સાથે અપહરણ કર્યા બાદમાં તેને અને તેના ભાઈને માર મારતા બંનેને ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી છે. આ ઘટનામાં એક અજાણી મહિલા સહિત 8 જેટલા શખ્સો સામે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા પોલીસે આરોપીઓને પકડવા દોડધામ હાથ ધરી હતી.

શહેરના મોતીસા દરવાજા વિસ્તારમાં રહેતા રાહુલ રાજુભાઇ પટણીના ભાઇ ગૌરવને અજાણી સ્ત્રી પાસે ફોન કરાવી 30 ઓક્ટોબરના રોજ ફોન કરી લીલીવાડી પાસે કેટલાક શખ્સોએ હની ટ્રેપમાં ફસાવવાના ઈરાદે બોલાવ્યો હતો તે ત્યાં જતાં આરોપીઓ ઠાકોર ચંપુજી , ઠાકોર સુરજસિંહ અને બે અજાણ્યા ઇસમોએ એક ગાડી તેમજ બાઇકો ઉપર પીછો કરી લીલીવાડી સામે રોડની સાઇડમાં આરોપી સ્ત્રીને મળવા મોકલી આરોપીઓ તેની પાસે જઇ છોકરીને હેરાન કરે છે તેમ કહી બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી પ્રગતી મેદાન લઇ ગયા હતા અને છોકરી સાથે ગૌરવનો ફોટો પાડી ત્યાંથી મેલડી માતાના મંદીર નજીક તેમજ અધાર ગામની સીમમાં લઇ જઇ માર મારી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હતી.

ત્યાં સહ આરોપીઓ સ્ત્રી સીવાયના આવી ખંડણી આપી દેવા દબાણ કર્યુ હતું. પણ ગૌરવના ભાઈ રાહુલ પટણીએ ખંડણી નહી આપતાં આરોપીઓએ ગૌરવને ગાડીમાં ગોંધી રાખી પાટણ રેલ્વે સ્ટેશન નજીક એક કોમ્પ્લેક્ષ નજીક ગાડીમાં લાવી બે અજાણ્યા આરોપીઓએ વોચમાં રહી પકડી રાખ્યો હતો .

જ્યારે બીજા આરોપીઓ એક ગાડીમાં મોતીસા ચોકથી બળીયા પાડા જવાના રોડ ઉપર ઠાકોર સુરજસિંહે તને ગુગડી તળાવ ખાતે બોલાવેલ તો તુ કેમ ન આવ્યો અને પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા કેમ ગયો તેમ કહી તારા ભાઇની છોકરીની મેટર છે તેમા આબરૂના રૂ. 5,00,000 (પાંચ લાખ) તો આપવા જ પડશે તેમ કહી તલવાર રાહુલ ના પેટના ઉપર ઉંધી મારી હતી તથા ચંપુજી ઠાકોરે ધારીયાનો હાથો માથામાં મારી સીધુ ધારીયુ મારતા ડાબા હાથની ચાર આંગળીઓ ઉપર ઇજા થઈ હતી .અન્ય આરોપી પટણી અમીતે ધોકો તેમજ અજાણ્યા શખ્સે ગડદાપાટુનો માર મારી છરીથી જમણા હાથની કલાઇ ઉપર ઇજાઓ કરી હતી.

આ દરમિયાન ચંપુજી ઠાકોરે ગળામાં પહેરેલ સોનાનો દોરો પેન્ડલ સાથેનો આશરે ૩ તોલાનો કિ.રૂ.1,20,000 નો ઝુંટવી લુટ કરી રૂ. પાંચ લાખ લઇને આવી દોરો અને તારા ભાઇને છોડાવી જજે નહીંતર તારા ભાઇને જાનથી મારી નાખીશું તેમ કહી ભાગી છૂટયા હતા .જોકે બાદમાં બંને અપહ્રતોને કમલેશ પટણી પાસે છોડી તેમના ઘરે પહોચાડી દેવાનું કહીને જતા રહ્યા હતા.આ ઘટના અંગે રાહુલ પટણીએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પીઆઇ એ.એસ.વસાવા તપાસ ચલાવી રહ્યા છે.

આ ઘટનામાં ગૌરવનો ભાઈ રાહુલ તેને પત્ની સાથે શાળાના લગ્ન પ્રસંગની ખરીદી માટે અમદાવાદ ગયેલ હતા ત્યારે તેમના પરિચિત છબીલા હનુમાન વિસ્તારમાં રહેતા કમલેશ કાલિદાસ પટણીએ કેટલાક લોકો ગૌરવને ઉપાડી ગયા છે અને તેના મોબાઈલ ઉપરથી સમાધાન માટે ફોન આવી રહ્યા છે તેવી હકીકત જણાવી હતી .કમલેશે અઘાર ખાતે તેના ભાઈ પાસે પહોંચી જાણ કરી હતી કે ગૌરવ અને તેની સાથે ભાવેશ વિજયભાઈ પટણીને ઉપાડી ગયેલ છે અને છોકરીનું લફડું છે એટલે પાંચ લાખ રૂપિયા આપવા પડશે તેવુ જણાવતા હોવાની વાત કરી હતી.

આ અંગે એ ડિવિઝન પીઆઈ એ.એસ વસાવા એ જણાવ્યું હતું કે આ ઘટનામાં હજુ આરોપીઓ પકડવાના બાકી છે. રાહુલભાઈ પટણીને ઇજાઓ થયેલી છે અને તેમને ધારપુર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.