ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કાશ્મીરી પક્ષો જમ્મુના મુસ્લિમ બહુલ ક્ષેત્રોમાં જ્યારે ભાજપ કાશ્મીરમાં શાખ વધારી રહ્યો છે
શ્રીનગર9 કલાક પહેલા
કલમ 370 નાબૂદ થયા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીર ચૂંટણી મૂડમાં
વિસ્તારમાં 10 વર્ષ પછી આઝાદ સક્રિય, નવી પાર્ટી બનાવે તેવી શક્યતા
કલમ 370ને રદ કર્યા બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો માહોલ જામવા તૈયાર છે. રાજ્યના રાજકીય પક્ષો ધડાધડ રેલીઓ કરી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસ સહિત તમામ મુખ્ય રાજકીય પક્ષો જમ્મુના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર ચિનાબ ખીણ અને પીર પંજાલ રેન્જમાં રેલીઓ કરી રહ્યા છે.
આ રીતે ભાજપ કાશ્મીરમાં શાખ વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ તાજેતરમાં કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ગુર્જર અને બકરવાલ સમુદાય સુધી પહોંચવા માટે અનેક રેલીઓ યોજી અને વાયદો કર્યો કે સરકાર તેમના ઉત્થાન માટે કામ કરશે.
આ સક્રિયતાનું કારણ એ છે કે તંત્રએ કહ્યું છે કે આગામી વર્ષે 6 માર્ચ સુધી સીમાંકન આયોગ તેના રિપોર્ટને અંતિમ રૂપ આપી શકે છે. તેના પછી ગમે ત્યારે ચૂંટણી યોજાઈ શકે છે. પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી ચિનાબ ખીણ અને પીર પંજાલ રેન્જમાં રેલીઓ કરી રહ્યાં છે અને કલમ 370ને રદ કરવા બદલ ભાજપને ફટકાર લગાવી રહ્યાં છે.
ફારુક અબ્દુલ્લાહ અને ઓમર અબ્દુલ્લાહે પણ અનેક રેલીઓ યોજી છે. ઓમર 8 દિવસથી જમ્મુની ચિનાબ ખીણમાં છે. નેશનલ કોન્ફરન્સના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે ઓમરે પાર્ટી કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર રહેવા કહ્યું છે. કલમ 370ની બહાલી સુધી ચૂંટણી નહીં લડવાની જાહેરાતથી ઓમર અબ્દુલ્લાહ અસહજ સ્થિતિમાં હતા.
તે રેલીઓમાં કહી રહ્યા છે કે નેશનલ કોન્ફરન્સ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ભૂલનું પુનરાવર્તન નહીં કરે. તેણે 2018માં પંચાયત અને શહેરી સ્થાનિક એકમોની ચૂંટણીમાં ભાજપ અને અન્ય પક્ષો માટે ખુલ્લું મેદાન છોડી દીધું હતું. બીજી બાજુ કોંગ્રેસના ગુલામ નબી આઝાદ 10 વર્ષ પછી એવા સમયે રાજકારણમાં સક્રિય થયા છે જ્યારે તેમના વફાદારોએ પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ ગુલામ અહેમદ મીર વિરુદ્ધ બળવો કર્યો છે.
આઝાદ જમ્મુ ક્ષેત્ર અને દક્ષિણ કાશ્મીરમાં રેલીઓ કરી રહ્યા છે. તેમની પ્રવૃત્તિઓને એવી અટકળોને હવા આપી છે કે જો કોંગ્રેસ તેમની અવગણના કરશે તો તેઓ એક નવી પાર્ટીની રચના કરી શકે છે. તેમણે એક રેલીમાં પણ કહ્યું કે તેમનો નવો પક્ષ રચવાનો કોઈ ઇરાદો નથી પણ રાજકારણમાં ભવિષ્યની ભવિષ્યવાણી ન કરી શકાય. આઝાદના નજીકના અને વરિષ્ઠ નેતા વિકાર રસૂલ કહે છે કે મીર તેમના કાર્યકાળમાં નિષ્ફળ રહ્યા છે એટલા માટે તે તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે.
આખરે કાશ્મીરી પક્ષો ચિનાબ અને પીર પંજાલમાં સક્રિય કેમ છે?
નવી વિધાનસભામાં 83ની જગ્યાએ 90 બેઠકો હશે. સીમાંકનમાં આ સાત બેઠકો જમ્મુમાં જઇ શકે છે. આ સ્થિતિમાં જમ્મુમાં 44 અને કાશ્મીરમાં 46 બેઠકો હોઈ શકે છે.
ભાજપનું ફોકસ રાજ્યની 11 ટકા અનુસૂચિત જનજાતિ પર છે. તેમના માટે કોઈ અનામત બેઠક નથી. તેમાં ગુજ્જર, બકરવાલ, સિપ્પી, ગદ્દી પણ આવેલ છે. કાશ્મીરમાં તેમની સંખ્યા સારી એવી છે. તે અનામત સીટ માગી રહ્યા છે, જેને ભાજપ પૂરી કરી શકે છે.
જમ્મુના ચિનાબ અને પીર પંજાબ રેન્જમાં 15 બેઠક છે. એવામાં આ ક્ષેત્ર નિર્ણાયક બનશે. કાશ્મીરી પક્ષો આ વિસ્તારમાં સુનિશ્ચિત કરવા માગે છે કે ભાજપ અહીં શાખ ન જમાવી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.