ખોડલધામના ચેરમેન નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીને લઇને ચર્ચાઓ તેજ બની રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીની ચર્ચાઓ મહત્વની માનવામાં આવી રહી છે પરંતુ હજી તો આ બધી અટકળો જ છે. નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશને લઇને કોઇ સ્પષ્ટતા કરી નથી અને આપ, કોંગ્રેસ અને ભાજપ આ ત્રણેય પાર્ટીઓના સંપર્કમાં છે. આ ત્રણેય પાર્ટીઓ સાથે બેઠકો કરી રહ્યા છે પરંતુ કયા પક્ષમાં જોડાશે તેને લઇને હજુ કોઇ વાત સામે આવી નથી ત્યારે હવે ફરી એકવાર નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશને લઇને વધુ એક નિવેદન સામે આવ્યુ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે અને રાજ્યભરમાં ખોડલધામ પ્રમુખ નરેશ પટેલની રાજકીય એન્ટ્રીના નિર્ણય પર ચર્ચા ચાલી રહી છે ત્યારે રાજકારણમાં એન્ટ્રીને લઇને વધુ એક મુદત પડી છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ લેશે કે કેમ તે અંગે મે મહિનામાં નિર્ણય લેવાશે તેમ જાણવા મળ્યુ છે અને નરેશ પટેલની દિલ્લીની મુલાકાત ફળદાયી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે.
નરેશ પટેલના પુત્ર શિવરાજે કહ્યુ કે રાજકારણમાં જોડાવુ કે કેમ તે અંગે સરવે ચાલુ છે. મોટાભાગના લોકો કહે છે કે નરેશ પટેલ રાજકારણથી દૂર રહે. જો કે આ અંગે દિનેશ કુંભાણી, રમેશ ટીલાળા સહિત સમૂહ મળીને સર્વે કરી રહ્યાં છે અને સર્વે પૂરો થયા બાદ નરેશ પટેલ નક્કી કરશે કે રાજકારણમાં જવું કે નહીં ? ખોડલધામની પોલિટિકલ કમિટી સર્વે કરી હોવાનો નરેશ પટેલના પુત્ર શિવરાજે દાવો કર્યો છે.
નરેશ પટેલના રાજકારણ પ્રવેશ મુદ્દે ખાસ સૂત્રો દ્વારા મોટી માહિતી મળી છે કે ખોડલધામના બંધારણમાં ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે અને નરેશ પટેલ માટે ખોડલધામના બંધારણમાં ફેરફાર થઈ શકે છે. નરેશ પટેલ રાજકારણ સાથે ખોડલધામના ચેરમેન પણ રહેશે અને બંધારણ મુજબ રાજકારણમાં જતાં પહેલાં પદ છોડવું પડે છે. પણ હવે નરેશ પટેલનો રાજકારણમાં પ્રવેશ નક્કી થતા બંધારણમાં ફેરફારના વરતારા દેખાઈ રહ્યા છે. મહત્વનું એ પણ છે કે નરેશ પટેલના પરિવારના જ ખોડલધામના ચેરમેન રહે છે.
આપને જણાવી દઈએ કે નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશતા પહેલા ખોડલધામ છોડશે તેવુ વાતો પણ થઈ રહી છે કારણ કે ખોડલધામના બંધારણ મુજબ રાજનીતિમાં પ્રવેશતાની સાથે જ પદ છોડવું જરૂરી છે પણ આ પહેલા બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટીઓનો વિપરીત મત રજૂ કર્યો હતો.અને ખોડલધામના ટ્રસ્ટીઓએ તર્ક આપ્યો હતો કે જો બાબુ જમના પટેલ ઉમિયાધામના પ્રમુખ બની શકે તો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન કેમ ન રહે. જો કે સમગ્ર મુદ્દે નરેશ પટેલનો નિર્ણય આખરી રહેશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપશે તો તેમના સ્થાને દિનેશ કુંભાણી ખોડલધામના ચેરમેન બને તેવી શક્યતાઓ છે.અને દિનેશ કુંભાણી નરેશ પટેલની નજીકના વ્યકિત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.