કોઇ સાથે વાતચીત કર્યા વગર જ મોદી સરકારે કૃષિ કાયદા ઘડી કાઢ્યા : બેનિવાલ

નવા કૃષિ કાયદાથી નુકસાન નહીં, વિરોધીઓનું આંદોલન ડાબેરીઓના હાથમાં : ગુની પ્રકાશ કૃષિ મંત્રીને મળ્યા

એનડીએના સાથી પક્ષ આરએલપીના વડા બેનિવાલે કેન્દ્રને ઘેરી

એનડીએના સાથી પક્ષ આરએલપીના નેતા હનુમાન બેનિવાલે કૃષિ કાયદા મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા, તેઓએ કહ્યું હતું કે પીએમ મોદીને ખેડૂતોની એટલી જ ચીંતા હોય તો તેઓ સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરી દે, કેન્દ્રએ આ કૃષિ કાયદા ઘડતી વેળાએ કોઇ સાથે ચર્ચા નથી કરી, અમારી સાથે પણ વાત ન કરી, ખબર નહીં કોણે આ કાયદા ઘડયા છે, બસ તૈયાર કરી સંસદમાં રજુ કરી દેવાયું અને હા પક્ષ જીતી ગયો, બિલ પસાર કરી દીધુ ને જતા રહ્યા.

બીજી તરફ  હરિયાણા ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ ગુની પ્રકાશની આગેવાનીમાં ૨૯ ખેડૂતોનું એક ડેલિગેશન કેન્દ્રીય કૃષી પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને મળ્યું હતું અને કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનું સમર્થન કર્યું હતું. સાથે એવી પણ ચીમકી આપી હતી કે આંદોલન કરી રહેલા ખેડૂતોની કાયદા પરત લેવાની માગણી સ્વીકારવામાં આવી તો અમે વિરોધમાં ધરણા કરીશું.  કૃષિ મંત્રી સાથે મુલાકાત બાદ ભારતીય કિસાન યુનિયન (માન)ના હરિયાણાના પ્રમુખ ગુની પ્રકાશે જણાવ્યું હતું કે અમે આ કાયદાઓનું સમર્થન કરીએ છીએ અને જો સરકારે તેને રદ કરી દીધા તો અમે તેના વિરોધમાં ધરણા પ્રદર્શન પણ કરીશું. અમે હરિયાણાના દરેક જિલ્લામાં આ બિલના સમર્થનમાં આવેદન પત્ર પણ આપી રહ્યા છીએ.

સાથે તેઓએ અગાઉની સરકાર પર સ્વામિનાથન કમિશનની ભલામણોનું અમલ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સવાલ કર્યો હતો કે ૨૦૧૪ પહેલાની સરકારોએ સ્વામિનાથન કમિશનની ભલામણોનો અમલ કેમ ન કર્યો? દરેકને આંદોલન, ધરણા પ્રદર્શન કરવાનો અધિકાર છે, જો તેઓ કેન્દ્રના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા હોય તો કરે અમે સમર્થન કરીશું. હાલ જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓના આંદોલનને ડાબેરીઓએ હાઇજેક કરી લીધુ છે અને તેઓ હિંસક હોય છે. વર્તમાન આંદોલને રાજકીય રંગ લઇ લીધો છે અને કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓથી કોઇ જ નુકસાન નથી પણ ફાયદો થશે. અગાઉ પણ ભાજપ શાસિત હરિયાણાના ખેડૂતોનું એક સંગઠન અચાનક કૃષિ કાયદાના સમર્થનમાં આવ્યું હતું અને સરકારને મળી કાયદા રદ ન કરવાની વિનંતી કરી હતી.  જ્યારે એનડીએના સાથી પક્ષના વડા અને સાંસદ  હનુમાન બેનીવાલે કૃષિ કાયદાને ખેડૂતોના વિરોધી ગણાવ્યા અને તેને રદ ન કર્યા તો એનડીએ સાથે છેડો ફાડવાની ફરી ચીમકી આપી હતી.




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.