દેશમાં નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન વચ્ચે શાસક ભાજપમાં જ કૃષિ કાયદાઓ અંગે અસમંજસની સ્થિતિ છે. તાજેતરમાં હરિયાણામાંથી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી બિરેન્દ્રસિંહે ખેડૂત આંદોલનને ટેકો આપ્યો હતો.
કેરળ વિધાનસભામાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય ઓ. રાજગોપાલે ગુરુવારે નવા ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાની માગણી કરતાં ઠરાવને ટેકો આપીને ભગવા પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધો છે.
નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હી સરહદે આંદોલન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરતાં કેરળ વિધાનસભામાં ગુરુવારે ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાની માગણી કરતો ઠરાવ સર્વાનુમતે પસાર થઈ ગયો હતો.
મુખ્યમંત્રી પિનારયી વિજયને ઠરાવ રજૂ કરતાં કેન્દ્રીય કાયદાઓને ખેડૂત વિરોધી અને કોર્પોરેટ જગતની તરફેણમાં ગણાવ્યા હતા. તેમણે ઠરાવમાં ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને તાત્કાલિક પાછા ખેંચવાની માગણી કરી હતી.
કેરળ વિધાનસભામાં કૃષિ કાયદા વિરુદ્ધના ઠરાવને સમર્થન આપ્યાના કલાકોમાં જ કેરળમાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય ઓ. રાજગોપાલે ફેરવી તોળ્યું હતું અને તેમણે વિધાનસભામાં સર્વાનુમતે પસાર થયેલા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું નહોતું.
ઉલટાનું તેમણે વિધાનસભા અધ્યક્ષ પર ‘નિયમોના ભંગ’નો આક્ષેપ મૂકીને કહ્યું કે તેઓ આ ઠરાવનો વિરોધ કરે છે. કેરળ વિધાનસભામાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય ઓ. રાજગોપાલે પહેલાં કૃષિ કાયદાઓને પાછા ખેંચવાના ઠરાવનું સમર્થન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.