કેન્દ્ર સરકારના કૃષિ વટહુકમો પર ઉભો થયેલું વિરોધનું વાવાઝોડું જાણે થોભવાનું નામ જ નથી લઈ રહ્યું. એક તરફ જ્યાં દેશભરમાં આરોપ પ્રત્યારોપનું રાજકારણ ખેલાઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ જુદા જુદા રાજકીય પક્ષો પણ આ મુદ્દાને આગળ ધરી પોતપોતાના રાજ્યોમાં આગામી ચૂંટણી જ નજર રાખીને બેઠા છે.
જોકે પોતાના સહયોગી જ અકાલી દળના વિરોધનો સામનો કરી રહેલી કેન્દ્રની મોદી સરકારને હવે વિપક્ષી કોંગ્રેસના જ એક પુર્વ રાષ્ટ્રિય પ્રવક્તા તરફથી આ મુદ્દા પર સંજીવની જડીબુટ્ટી મળી ગઇ છે.
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા અને નેતા સંજય ઝાએ જ કોંગ્રેસના ધજાગરા કર્યા છે. સંજય ઝાએ કહ્યું હતું કે, લોકસભામાંથી પસાર કરવામાં આવેલા કૃષિને લગતા વટહુકમો તો કોંગ્રેસના જ ચૂંટણી ઘોષણા પત્રમાં પણ હતાં.
કોંગ્રેસમાં આંતરિક ચૂંટણી અને ગાંધી પરિવારની બહારના અધ્યક્ષની માંગણીને લઈને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા પૂર્વ પ્રવક્તા સંજય ઝાએ આજે ટ્વિટ કર્યું હતું.
તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પણ પોતાના ઘોષણાપત્રમાં એપીએમસી અધિનિયમોનો અંત આણવાનો અને કૃષિ ઉત્પાદનોને પ્રતિબંધથી મુક્ત કરવાની વાત કહી હતી.
સંજય ઝાએ કેન્દ્રની મોદી સરકારનો વિરોધ કરી રહેલી કોંગ્રેસને જ ખુલ્લી પાડતા ટ્વિટમાં ઉમેર્યું હતું કે – કોંગ્રેસે જે વાયદો પોતાના ચૂંટણી ઢંઢેરામાં કર્યો હતો, તેને જ મોદી સરકારે પુરો કર્યો છે. ઝાએ કહ્યું હતું કે, આમ જોવા જઈએ તો આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ એકમત છે.
કોંગ્રેસે સંસદના ચોમાસુ સત્રમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા ફાર્મર્સ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ, ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસિઝ બિલ અને એસેન્શિયલ કોમોડિટી એમેન્ડમેન્ટ બિલનો ઉગ્ર વિરોધ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.