સોની પરિવારે વેસુનો ફ્લેટ, કાર, બાઈક, ગયા મહિને વેચી દઇ અગાઉથી જ ઉઠમણાંનું આયોજન કરી દીધું હતું
દિલીપ જયંતિલાલ સોની અને પુત્ર વિકાસે તા.28 ઓક્ટોબરે દુકાનને તાળા મારી દીધા બાદ પત્તો નથી
સુરતના કતારગામ દરવાજા કુબેરનગરમાં છેલ્લા 40 વર્ષથી માં શક્તિ જવેલર્સના નામે દુકાન ધરાવતા વેસુના પિતા-પુત્ર જુના વેપારીઓ-ગ્રાહકો પાસેથી રૃ.2.42 કરોડના સોનાના દાગીના લઈ બે અઠવાડીયા અગાઉ પોતાનો વેસુનો ફ્લેટ, કાર, બાઈક અને સ્કૂટર વેચી પરિવાર સાથે ફરાર થઈ જતા તેમના ઉઠમણાંનો ભોગ બનેલાઓ પૈકી એક વેપારીએ પિતા-પુત્ર વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મજૂરાગેટ ખાતે વિજયવલ્લભ ચોક શંખેશ્વર કોમ્પલેક્ષ સંસ્કૃતિ એપાર્ટમેન્ટ સી/301 માં રહેતા અને ભાગળ ચોક્સી બજારમાં નવાપુરા કરવા રોડ પારેખ કોમ્પલેક્ષ 207 માં 15 વર્ષથી વધુ સમયથી અરુણ ચેઇનના નામે સોનાની ચેઇન બનાવતા રાજેશભાઈ મહેન્દ્રકુમાર ધોકા (ઉ.વ.40) કતારગામ દરવાજા કુબેરનગર વિભાગ 1 પ્લોટ નં.83 માં માં શક્તિ જવેલર્સના નામે દુકાન-શોરૃમ ધરાવતા પિતા-પુત્ર દિલીપભાઈ જ્યંતિલાલ સોની-વિકાસ (બંને રહે.સી/801, ગ્રીન રેસિડન્સી, વેસુ, સુરત) સાથે છેલ્લા 10 વર્ષથી વેપાર કરતા હતા. પિતા-પુત્ર રાજેશભાઈ પાસેથી જે દાગીના લઈ જતા હતા તેનું પેમેન્ટ બે-ચાર દિવસમાં ચુકવતા હોય તેમના ઉપર વિશ્વાસ હતો. આથી ગત 21 સપ્ટેમ્બરના રોજ વિશાલે રાજેશભાઈના પિતરાઈ ભાઈ અને ઓફિસના સેલ્સ હેડ પરેશભાઈ ધોકાને ફોન કરી તમારી પાસે સારી ડિઝાઇનનો સોનાના દાગીનાનો માલ હોય તો તાત્કાલિક લઈને આવો, દિવાળીને કારણે દાગીનાની ડિમાન્ડ આવી છે તેમ કહ્યું હતું.
લોકડાઉનને લીધે રાજેશભાઈ પાસે ઘણા તૈયાર દાગીના હતા તેથી તે જાતે પરેશભાઈ સાથે 1347.690 ગ્રામ વજનની અલગ અલગ ડિઝાઈનની સોનાની ચેઇન લઈ માં શક્તિ જવેલર્સમાં ગયા હતા. ત્યાં હાજર દિલીપભાઈ, વિશાલ, દિલીપભાઈના પત્ની અને કર્મચારી શક્તિની હાજરીમાં ચેઇન બતાવતા તેમણે અત્યારે આ બધી ચેઇન અમે રાખી લઈએ છીએ, નિરાંતે જોઈને જેટલી ચેઇન ચાલે તે રાખીશું, ચાલે તેમ નહીં હોય તેટલી ચેઇન તમને પરત કરી દેશું અને ત્યાર પછી અમે કહીએ તે મુજબનું બિલ બનાવીને આપજો તેમ કહેતા રાજેશભાઈએ જાંગડ પેટે ચેઇન આપી હતી. બીજા દિવસે પરેશભાઈએ તેમને ફોન કરી કેટલી ચેઇન રાખવાના તેમ પૂછતાં તેમણે થોડી ચેઇન રિપીટ થાય છે, તે તમને પાછી મોકલવાના છીએ અને બીજી તમારી પાસે નવી જેટલી ડિઝાઇન હોય તે મોકલાવી આપો, તમામ પેમેન્ટ તમને બિલ બનાવી સાત દિવસમાં મળી જશે તેમ કહેતા ફરી રાજેશભાઈ અને પરેશભાઈ દિલીપભાઈને દુકાને જઈ અગાઉ આપેલી ચેઇનમાંથી 509.480 ગ્રામ ચેઇન પરત લઇ આવ્યા હતા. તે સમયે રાજેશભાઈએ બાકીની ચેઇનનું બિલ બનાવવા કહેતા પિતા-પુત્રએ નવી ડિઝાઈનની ચેઇન સાથે અગાઉની 830.853 ગ્રામ સોનાની ચેઇનનું પણ બિલ બનાવી આપવાની વાત કરી હતી.
જોકે, રાજેશભાઈ માર્કેટમાંથી નવી ડિઝાઈનની ચેઇન મંગાવીને મોકલે તે પહેલા જ 28 ઓક્ટોબરના રોજ માં શકિત જવેલર્સની દુકાને તાળા લાગી ગયા હતા. આથી રાજેશભાઈએ પિતા-પુત્રનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પણ સંપર્ક થઈ શક્યો ન હતો. ઘરે તપાસ કરતા સમગ્ર પરિવાર તેમની તમામ મિલ્કત, કાર, બાઈક, સ્કૂટર ગત મહિને જ વેચી ક્યાંક ચાલ્યા ગયા હોવાની જાણ થઈ હતી. રાજેશભાઈ પાસેથી કુલ રૃ.43,61,978 ની સોનાની ચેઇન લઈ પેમેન્ટ કર્યા વિના પરિવાર સાથે ચાલ્યા ગયેલા પિતા-પુત્રએ અન્ય 7 વેપારીઓ પાસેથી રૃ.1,83,06,793 ની કિંમતના સોનાના દાગીના અને 7 ગ્રાહકો પાસેથી જુના સોના સામે નવી ડિઝાઇનના દાગીના બનાવી આપવાના બહાને રૃ.58.56 લાખના દાગીના લઈ કુલ રૃ.2,41,62,793 ની ઠગાઈ આચરી હતી. આ અંગે રાજેશભાઈએ આજરોજ કતારગામ પોલીસ મથકમાં પિતા-પુત્ર વિરુદ્ધ છેતપિંડીની ફરિયાદ નોંધાવતા પીઆઈ બી.ડી.ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.
40 વર્ષથી વેપાર કરતા પિતા-પુત્ર વિદેશ ભાગી ગયાની આશંકા
સુરતના કતારગામ વિસ્તારમાં કરોડોમાં ઉઠમણું કરનાર માં શક્તિ જવેલર્સના સંચાલકો ચાર દાયકાથી વધુ સમયથી વેપાર કરતા હોય તેમની મોટી શાખ હતી. તેને લીધે જ ઘણા વેપારીઓએ તેમને દાગીના આપ્યા હતા. જોકે, અગાઉથી જ આયોજન કરી બધું વેચી પત્ની, બાળકો સાથે ક્યાંક ચાલી ગયેલા દિલીપભાઈ અને વિશાલ વિદેશ ભાગી છૂટયા હોવાની આશંકા ભોગ બનેલા કેટલાક વેપારી-ગ્રાહકોએ વ્યક્ત કરી હતી. આથી કતારગામ પોલીસે સમગ્ર પરિવારના પાસપોર્ટ અંગેની વિગતો જાણવા કવાયત શરૃ કરી છે.
ક્યાં વેપારીઓ અને ગ્રાહકો ભોગ બન્યા
અરુણ ચેઇન્સના રાજેશભાઈ ધોકા ઉપરાંત અન્ય વેપારીઓ- (1) લબ્ધી ઓર્નામેન્ટના સંદીપ રજનીકાંત શાહ (2) વીર જવેલર્સના વૈભવ ધીરજભાઈ શાહ (3) રાજેશકુમાર હરિલાલ ધોળકીયા (4) સિદ્ધિ જવેલર્સના દીક્ષિત રજનીકાંત શાહ (5) શ્રી સમોર ગોલ્ડના હર્ષદકુમાર રસિકલાલ શાહ (6) આદી ઓર્નામેન્ટના રાહુલ રજનીકાંત શેઠ (7) ગોવિંદજી ઓર્નામેન્ટના દર્શન દિલીપભાઈ વેકરીયા
ભોગ બનેલા ગ્રાહકો
(1) પારસભાઈ ભવાનભાઈ સવાણી (2) પોપટભાઈ સામજીભાઈ ધામેલીયા (3) ભવાનભાઈ તળશીભાઈ સવાણી (4) સુરેશભાઈ ઉર્ફે ભરતભાઈ પ્રેમજીભાઈ ધામેલીયા (5) અલ્પાબેન સુરેશભાઈ ધામેલીયા (6) ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ માવાણી (7) રમેશભાઈ વજુભાઇ સવાણી ( તમામ રહે. કતારગામ )
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.