આંગળીના ઇશારે રૂપિયાની આપલે. આ શબ્દો અગાઉ જેટલા રોમાંચક લાગતા હતા એટલા જ હવે, ઘણા લોકોને ડરામણા લાગે છે. અખબારોમાં આપણે લગભગ રોજેરોજ લોકોએ સાયબર ફ્રોડનો ભોગ બનીને અમુક હજાર કે લાખ રૂપિયા ગુમાવ્યા હોવાના સમાચાર વાંચીએ છીએ. ઠગનો શિકાર બનતા લોકોમાં ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટર, પ્રોફેસર જેવા લોકો પણ સામેલ હોય છે.
આ જ કારણે, જે ખરેખર સૌને ઉપયોગી સગવડ છે એને હવે સૌ શંકાની નજરે જોવા લાગ્યા છે. આજના સમયમાં, કોન્ટેક્ટલેસ પેમેન્ટ અનિવાર્ય બન્યું છે, પાણીપુરીના ખૂમચાથી શરૂ કરીને બધી જગ્યાએ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ક્યુઆર કોડનાં પાટિયાં દેખાવા લાગ્યાં છે, એટલે લોકોએ પણ તેનો ઉપયોગ શરૂ તો કર્યો છે, પણ તેની બારીક આંટીઘૂંટીઓ હજી સૌ સમજ્યા નથી.
બીજી તરફ, ઝારખંડ, બિહાર, રાજસ્થાન જેવાં ઘણાં રાજ્યોમાં સાયબર ફ્રોડ કરીને લોકોને લૂંટવા એ જાણે ગૃહ ઉદ્યોગ બની ગયો છે. આમ જુઓ તો આ લોકોની મોડસ ઓપરેન્ડી લગભગ એક સરખી છે. કોઈ ને કોઈ રીતે આપણને ડરાવવા કે લલચાવવા, પછી ગાફેલ બનાવવાને પછી આપણા ખાતામાંથી રકમ સેરવી લેવી. લોકો ઓનલાઇન પેમેન્ટ એપ્સના ઉપયોગમાં રાખવી જોઈતી સાવધાનીની કેટલીક પાયાની બાબતો જાણતા નથી એનો ઠગ લોકો પૂરો ગેરલાભ લે છે.
અજાણી વ્યક્તિના કહેવાથી આપણે ક્યારેય પોતાના ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ ન કરવી જોઈએ, પણ લોકો કરે છે. અજાણી વ્યક્તિના કહેવાથી આપણે ક્યારેય કોઈ જગ્યાએ (પોતાના ખાતામાં પણ નહીં) ટ્રાન્ઝેક્શન ન કરવું જોઈએ, છતાં લોકો કરે છે. પોતે રકમ મેળવવી હોય તો પોતાની પિન આપવાની શી જરૂર એવી સાદી વાત પણ લોકો ભૂલી જાય છે.
આવું કેમ થાય છે? સાયબર ફ્રોડનો ભોગ બનેલી લગભગ દરેક વ્યક્તિ કબૂલે છે કે ઠગ તેમને વાતચીતમાં એવા પરોવી લે છે કે એ સમયે જાણે મતિ ફરી જાય છે! હકીકત એ છે કે ઠગ આપણી નબળાઈઓ જાણે છે, એટલા આપણે ઠગની તરકીબો જાણતા નથી. આવા ઘણા લોકોનો અનુભવ છે કે એક વાર સાયબર ફ્રોડનો ભોગ બનીએ એ પછી ગુમાવેલા રૂપિયા પરત મેળવવા એ મુશ્કેલ, બહુ લાંબી અને ઘણા કિસ્સામાં અશક્ય પ્રક્રિયા બની જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.