તામિલનાડુના કુન્નુરના જંગલમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, અને જેમાં સવાર 14 લોકોમાંથી એકમાત્ર જીવિત બચનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે નિધન થયું છે. ઈન્ડિયન એરફોર્સે આ માહિતી આપી છે.
આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, અને તેમનાં પત્ની સહિત 13 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેથી તેમને પહેલા આર્મીની હોસ્પિટલ અને બાદમાં બેંગ્લોર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 7 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. આજે સારવાર દરમિયાન તેમણે પણ અંતિમશ્વાસ લીધા હતા. આમ આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 14 લોકોના મોત થયા છે
આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું.અને 8 ડિસેમ્બરના રોજ સવારે 11.48 વાગ્યે હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. બપોરે 12.08 વાગ્યે હેલિકોપ્ટરનો નીલગિરિના પહાડો પર વાયુસેના સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ એ કુન્નુરના જંગલમાં ક્રેશ થઈ ગયું હતું.
ઉત્તરપ્રદેશના દેવરિયાના રહેવાસી હતા. તેમનો પરિવાર ત્રણેય સેના સાથે જોડાયેલો છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ઈન્ડિયન એરફોર્સમાં હતા. તેમના પિતા રિટાયર્ડ કર્નલ કેપી સિંહ આર્મી એર ડિફેન્સ (AAD) રેજિમેન્ટમાં હતા.અને કર્નલ કેપી સિંહના બીજા પુત્ર અને વરુણ સિંહના નાના ભાઈ લેફ્ટનેન્ટ કમાન્ડર તનુજ સિંહ ઈન્ડિયન નેવીમાં છે.
વરુણ સિંહનો પરિવાર હાલ ભોપાલમાં રહે છે. વરુણ સિંહને આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા હતા. તેમને આ અવોર્ડ ફ્લાઈંગ કંટ્રોલ સિસ્ટમ ખરાબ થવા છતાં 10 હજારની ઊંચાઈએથી તેજસ વિમાનનું સફળ લેન્ડિંગ કરાવવા બદલ એનાયત કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.