અમદાવાદમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી, પરંતુ હાર્દિક પટેલ અંગત કારણોસર ફરી એકવાર ગેરહાજર રહ્યો હતો. હાર્દિકના વકીલે કોર્ટ સમક્ષ હાજર રહેવામાંથી મુક્તિની અરજી કરી હતી. આ અરજીનો રાજ્ય સરકારે વિરોધ કર્યો હતો. જો કે, સેશન્સ કોર્ટે આ અરજીને સ્વીકારી છે. સુનાવણી દરમિયાન, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ હાજર રહ્યા હતા. દિનેશ બાંભણિયાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, હાઈકોર્ટમાં તેની ડિસ્ચાર્જ અરજી પડતર છે અને તેની સુનાવણી ચાર ફેબ્રુઆરીએ છે, તેથી આ અરજીની સુનાવણી ત્યાર બાદ કરવામાં આવે. જેથી, સેશન્સ કોર્ટે આ કેસની વધુ સુનાવણી ૭ ફેબ્રુઆરીએ રાખી છે.
કેસની વિગત જોઈએ તો, વર્ષ ૨૦૧૫માં અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમયે જીએમડીસીની જાહેર સભા બાદ, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં તોફાનો થયા હતા. આ પછી, અમદાવાદ પોલીસે હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલ અને કેતન પટેલ સામે રાજદ્રોહનો કેસ દાખલ કરેલો છે. આ કેસમાં હાઈકોર્ટે હાર્દિકને જામીન આપેલા છે. જો કે, તે ટ્રાયલ કોર્ટમાં સતત ગેરહાજર રહેતો હોવાથી, તેની સામે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યૂ થયો હતો. જેમાં, તેની ધરપકડ બાદ તેને જામીન મળ્યા હતા.
GMDC ગ્રાઉન્ડ પરની સભા બાદ, હાર્દિક પટેલ સહિતના નેતાઓએ SRP જવાનો અને અન્યને ઈજા પહોંચાડી હતી. આ કેસમાં, હાર્દિક પટેલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેના પર સુનાવણી હાઈકોર્ટમાં આગામી દિવસોમાં હાથ ધરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.