પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે પોતાના સૌથી નજીકના દેશ સાઉદી અરબનો હજી સુધી પણ કોઈ જ સાથ નથી મળી રહ્યો. સાઉદી અરબ કાશ્મીર મુદ્દે ઈસ્લામિક સહયોગ સંગઠન (IOC)ની વિદેશ મંત્રીઓના સ્તરની બેઠક બોલાવવા તૈયાર નથી. આ બાબત ખુદ પાકિસ્તાનના મુખ્ય સમાચારપત્ર ડૉને પાકિસ્તાનના ટોચના રાજકીય સૂત્રોને ટાંકીને કહ્યું છે. 9મી ફેબ્રુઆરીએ આઈઓસીના ટોચના અધિકારી સ્તરની બેઠક યોજાશે.
મુસ્લીમ દેશોના સૌથી મોટા સંગઠન આઈઓસી દ્વારા કાશ્મીર મુદ્દે બેઠક બોલાવવાની પોતાની માંગણી પૂરી ના થવાથી ઈસ્લામાબાદ નારાજગી પણ જાહેર કરી ચુક્યું છે. ખુદ ઈમરાન ખાને પોતાના મલેશિયાના પ્રવાસ દરમિયાન એક થિંક ટેંક સાથેની વાતચીતમાં પણ આઈઓસી પર પોતાની ભડાશ ઠાલવી હતી. તેમણે એમ પણ કહી દીધું હતું કે, મુસ્લીમ દેશોમાં અમારો કોઈ જ અવાજ રહી ગયો નથી અને અમે સંપૂર્ણ રીતે એકલા પડી ગયા છીએ. આઈઓસી કાશ્મીર મુદ્દે એક બેઠક સુદ્ધા બોલાવી શકી નથી.
પાકિસ્તાન સાઉદીની આગેવાની હેઠળના 57 સભ્યોના દેશોના સંગઠન આઈઓસી મુદ્દે કાશ્મીર પર બેઠક બોલાવવા માટે સતત દબાણ બનાવી રહ્યું છે પરંતુ સાઉદીએ હજી સુધી પાકિસ્તાનની માંગણીને કાને ધરી નથી. ડિસેમ્બર મહિનામાં આઈઓસીના સ્વતંત્ર સ્થાયી માનવાધિકાર આયોગે કાશ્મીરમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘનને લઈને એક અહેવાલ સોંપ્યો હતો. જોકે વિદેશ મંત્રીઓના સ્તરની બેઠકની દિશામાં કોઈ પ્રગતિ નથી સાધી શકાઈ.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ પણ આઈઓસીની બેઠકને લઈને તાજેતરમાં જ કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે મુસ્લીમોની એકજુથતાનો સંદેશ આપવા માટે આમ કરવું ખુબ જ જરૂરી છે. મલેશિયાના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાને મુસ્લીમ દેશોની કાશ્મીર પર મૌનને લઈને કહ્યું હતું કે, જો ધર્મના આધારે ભેદભાવ થઈ રહ્યો છે તો મુસલમાનોએ ધર્મના આધારે એકજુથતા દેખાડવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.