સુરત ભાજપના કોર્પોરેટરોની જુથબંધી અને ગુજરાત સરકાર અને પાલિકા વચ્ચે સંકલનનો અભાવ હોવાથી પાંડેસરા હાઉસીંગ બોર્ડના 2260 ફ્લેટ ધારકોનું ભાવી જોખમમાં મુકાઈ ગયું છે. સંકલન બેઠકમાં હાઉસીંગ બોર્ડના જર્જરિત મકાન તાત્કાલિત તોડી પાડવાની ફરિયાદ સામે ભાજપની આંતરિક જુથબંધી હોવાનું બહાર આવ્યું છે. ભાજપના એક કોર્પોરેટરે તાત્કાલિક મકાન ખાલી કરાવીને તોડી નાંખવાની રજુઆત કરી તો બીજા કોર્પોરેટરોએ આ ગરીબ લોકોને વૈકલ્પીક વ્યવસ્થા આપીને પ્રશ્નનો નિવેડો લાવવા માટેની વાત કરી હતી. સંકલન બેઠકમાં એક કોર્પોરેટરે તો આ લોકોએ મત આપ્યા નથી તેવો પણ ઉલ્લેખ કરી દીધો હતો જેના કારણે વિવાદ ઉભો થયો છે.
સુરત મ્યુનિ.ના ઉધના ઝોનમાં પાંડેસરા હાઉસીંગ બોર્ડના 2260 ફ્લેટ આવ્યા છે વર્ષો પહેલા બનેલા આ ફ્લેટ જર્જરિત થઈ ગયાં છે અને અકસ્માત થઈ શકે તેવી શક્યતા હોવાથી અગાઉ પાલિકાએ નળ અને પાણી જોડાણ કાપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભાજપના જ કોર્પોરેટરે ગરીબ લોકોની હેરાનગતિ ન કરીને તેમને વેકલ્પીક વ્યવસ્થા આપી રીડેવલપમેન્ટ કરવાની વાત કરી અટકાવ્યું હતું.
જોકે, ગઈકાલની બેઠકમાં ભાજપના એક સભ્યએ જર્જરિત થયેલા હાઉસીંગ બોર્ડના મકાન તાત્કાલિક તોડી પાડવાની માગણી કરી અને પાલિકા કમિશ્નરે જર્જરિત બિલ્ડીંગ ઉતારી દેવાની સુચના પણ આપી હતી. આ બિલ્ડીંગો જર્જરિત છે અને અકસ્માત થાય તેવી શક્યતા પણ છે તેમ છતાં તાત્કાલિક તોડી પાડવાની ફરિયાદ પાછળ ભાજપની જુથબંધી હોવાનું કહેવાય રહ્યું છે. ફરિયાદમાં એક તબક્કે એક કોર્પોરેટર એવું પણ બોલી ગયાં હતા કે અહીથી મત મળતાં નથી અને બિલ્ડીંગ પણ જર્જરિત છે તેથી તાત્કાલિક ઉતારી દેવા જોઈએ.
જોકે, હાઉસીંગ બોર્ડના મકાનોને જર્જરિત ગણાવીને તાત્કાલિક તોડી પાડવાની માગણી અમાનવીય હોવાનું ભાજપના અન્ય કોર્પોરેટરો કહી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ આ ગરીબ લોકોને વૈકલ્પીક વ્યવસ્થા આપીને પ્રશ્નનો નિવેડો લાવવો જોઈએ તેવી માગણી થઈ રહી છે. જોકે, ભાજપની જુથબંધી અને પાલિકા અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ હોવાથી હાલ તો ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરિત મકાનમાં રહેતાં 2260 પરિવારોનું ભાવી જોખમમાં મુકાયું છે તે વાસ્તવિકતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.