લંબોદર ગણેશજીની અગ્ર પૂજા વિઘ્નોનો નાશ કરી સફળતા, સિદ્ધિ, કીર્તિ અને વિજયની પ્રાપ્તિ કરાવે છે

કોઈ પણ કાર્યના આરંભમાં કે કોઈપણ દેવ કે દેવીની પૂજાના આરંભમાં ગણેશજીની અગ્રપૂજા કરવી જરૂરી માનવામાં આવે છે. જેકોઈ એનું પાલન નથી કરતું એના કાર્યમાં વિઘ્ન આવે છે.

 

સર્વ વિઘ્નવિનાશાય સર્વકલ્યાણ હેતવે ।

પાર્વતીપ્રિયપુત્રાય ગણેશાય નમોનમઃ ।।

બધા વિઘ્નોના વિનાશ માટે, સમસ્ત કલ્યાણના હેતુ માટે પાર્વતીના પ્રિય પુત્ર શ્રી ગણેશને અનેક નમસ્કાર.’

પુ રાણોની કથામાં દર્શાવવામાં આવ્યું છે કે ભગવતી પાર્વતીએ એમના અંગના અનુલેપથી એક ચતુર્ભુજ મૂર્તિ બનાવી એમના સ્વામી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી કે એમાં પ્રાણનો સંચાર કરી એને પોતાના પુત્રરૂપે પ્રસિદ્ધ કરી આખા જગત માટે પૂજ્ય બનાવી દો. ભગવાન શિવજીએ વેદોક્ત જીવસૂક્ત અને સૃષ્ટિસૂક્ત દ્વારા એમાં પ્રાણસંચાર કરીને કહ્યું – ‘હે દેવિ ! આ પુત્ર જગતમાં મહા યશસ્વી અને જનગણનો અધિપતિ બનીને ‘ગણેશ’ નામથી ખ્યાતિ પ્રાપ્ત કરશે.’

એ શિશુના આવિર્ભાવથી કૈલાસમાં મહોત્સવ ઉજવાયો. સુર- મુનિગણ શિશુના દર્શન કરી એને આશિષ આપવા એકત્રિત થયા કેવળ સૂર્યપુત્ર શનિદેવના સંપર્કથી મુશ્કેલી આવી. શનિદેવની પત્નીએ શનિદેવને એ વખતે શાપ આપેલો હતો કે એમની જેના પર દૃષ્ટિ પડશે તેનો તત્કાળ શિરચ્છેદ થઈ જશે.’ એટલે શનિદેવ એની સન્મુખ આવી એના પર દૃષ્ટિ સ્થિર કરવા માંગતા નહોતા પણ પાર્વતીએ એમને આશીર્વાદ આપવા વિશેષ અનુરોધ કર્યો અને કહ્યું કે, ‘મારા આ પુત્રનું અનિષ્ટ કરવા કોઈ સમર્થ નથી. પણ વિધિનું એવું જ વિધાન હતું એટલે એ થઈને જ રહ્યું. શનિદેવ આશિષ આપવા આવ્યા અને એ શિશુ પર દૃષ્ટિ પડતાં જ એનું માથું ધડથી અલગ થઈ ગયું અને એમાંથી જે તેજ નીકળ્યું તે વિષ્ણુમાં વિલિન થઈ ગયું. કૈલાસમાં ઉહાપોહ મચી ગયો.

ગોલોકધામથી આવી ભગવાન વિષ્ણુએ ઉત્તરાભિમુખ સૂતેલા એક હાથીનું મસ્તક કાપીને તેને શિશુના ધડ સાથે જોડી એમાં પ્રાણસંચાર કરી પુનર્જિવિત  કરી દીધો. ત્યારથી તેનું નામ ‘ગજાનન’ પડયું. ગજાનન એટલે ‘હાથીનું છે જેનું મુખ તે.’ જો કે સ્કંદપુરાણના નાગરખણ્ડ અનુસાર પાર્વતીએ ગજાનનના રૂપમાં જ સંતાનને પ્રાદુર્ભાવ કર્યો હતો. દેવાસુર સંગ્રામમાં ગણેશે દાનવોનો સંહાર કરી દેવતાઓનું રક્ષણ કર્યું હતું તે વખતે દેવરાજ ઇન્દ્રએ પ્રસન્ન થઈને કહ્યું હતું – ‘તમે બધા દેવતાઓના પૂજ્ય છો. કાર્યના આરંભમાં તમારી પૂજા કરવાથી બધા કાર્યો સિદ્ધ થશે. તમે ‘વિઘ્નવિનાશક’ નામથી પ્રસિદ્ધ થશો.’

ભારતીય સંસ્કૃતિમાં શ્રીગણેશનું સ્થાન સર્વોપરિ છે. કોઈપણ કાર્યના આરંભમાં સર્વપ્રથમ શ્રીગણેશનું પૂજન કરવું જોઈએ એટલું જ નહીં, કોઈપણ દેવ કે દેવીની પૂજાના આરંભમાં શ્રીગણપતિની અગ્રપૂજા કરવી જરૂરી માનવામાં આવે છે. જેકોઈ એનું પાલન નથી કરતું એના કાર્યમાં વિઘ્ન આવે છે. એટલે જ ગણપતિને ‘વિઘ્નેશ્વર’ અને ‘વિઘ્નકર્ત્રા’ કહેવામાં આવે છે. સાચા ભાવથી એમની પૂજા કરી એમની કૃપા મેળવવી હોય તે માટે વિઘ્નનાશક, અને ‘વિઘ્નહર્તા’ પણ બની રહે છે.

શિવજી શ્રી ગણેશજીની પૂજા કર્યા વગર જ ત્રિપુરાસુરને મારવા ગયા, પરંતુ તેમને સ્વયં પરાજિત થવું પડયું. જ્યારે જ્યારે શિવ, વિષ્ણુ, સૂર્ય વગેરે દેવતાઓએ શ્રી ગણેશજીની અગ્રપૂજા નહોતી કરી ત્યારે ત્યારે તેમને એમના કાર્યમાં નિષ્ફળ થવું પડયું. શ્રી ગણેશજીનું શરણ લીધા પછી જ તેમને સફળતા, સિદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થયા. યમરાજે નામલ (મરાઠાવાડ) ક્ષેત્રમાં ગણેશજીની આરાધના કરી એમને પ્રસન્ન કર્યા હતા. બ્રહ્માજીએ સૃષ્ટિરચના વખતે સિદ્ધિ મળે તે હેતુથી શ્રી ગણેશજીની ઉપાસના કરી હતી. મહાવિષ્ણુએ મધુ-કૈટભ વધને માટે ‘સિદ્ધિટેક’ ક્ષેત્રમાં શ્રીગણેશજીની પૂજા- અર્ચના કરી હતી. પૂના જિલ્લામાં આવેલા ‘રાજનગાઁવ’ ક્ષેત્રમાં શિવજીએ ત્રિપુરાસુર વધ માટે ગણેશ આરાધના કરી હતી. શિવપુત્ર સ્કંદે (કાર્તિકેયે) ‘વેરુલ’ ક્ષેત્રમાં આવીને શ્રી ગણેશજીની તપશ્ચર્યા કરી ત્યારે તે તારકાસુરને મારી શક્યા હતા. આદિ શક્તિ માતા પાર્વતીએ વિંધ્યાચલ ક્ષેત્રમાં આવીને શ્રી ગણેશજીની તપશ્ચર્યા કરી એમને પ્રસન્ન કર્યા ત્યારે તે મહિષાસુરનો વધ કરી શક્યા હતા !

પ્રણવસ્વરૂપ પરમ તત્ત્વ એવા શ્રી ગણેશજીની સ્તુતિ કરતા કહેવાયું છે ‘ગણેશો વઃ પાયાત્ પ્રમમત ગણેશં જગદિદં, ગણેશેન ત્રાતં નમ ઇહ ગણેશાય મહતે । ગણેશાન્નાસ્ત્યન્યત્ ત્રિજગતિ ગણેશસ્ય મહિમા, ગણેશં મચ્ચિત્તં નિવસતુ ગણેશ ત્વમવ મામ્ ।। શ્રી ગણેશજી તમારું રક્ષણ કરો. તમે ગણેશને નમસ્કાર કરો. ગણેશજીએ જ આ જગતન રક્ષા કરી છે, એ મહિમાશાળી ગણેશજીને નમસ્કાર છે. શ્રી ગણેશજીથી મોટા બીજા કોઈ દેવ નથી.’ ત્રણેય લોકમાં શ્રી ગણેશજીનો મહિમા વ્યાપેલો છે. શ્રી ગણેશજીમાં મારું ચિત્ત નિવાસ કરે. હે ગણેશજી ! તમે મારું રક્ષણ કરો.’

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.