લંપટ પ્રોફેસરે વિદ્યાર્થિનીને કહ્યું, ‘તારે પાસ થવું હોય તો મારી સાથે દીવમાં હોટેલમાં આવ’

ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને શર્મસાર કરનાર કિસ્સો સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાંથી સસ્પેન્ડ કરી દેવાયેલા પ્રોફેસર નિલેશ પંચાલ સામે ચાલી રહેલી તપાસમાં શુક્રવારે વધુ એક PhD ની વિદ્યાર્થિનીએ નિવેદન આપ્યું હતું. નિવૃત્ત જજના વડપણ હેઠળ નિમાયેલી કમિટી સમક્ષ નિવેદન આપવા વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, વર્ષ 2014માં પ્રોફેસર પંચાલે એવું કહ્યું હતું કે, જો તારે પીએચડીમાં પાસ થવું હશે તો મારી સાથે દીવ આવવું પડશે અને હોટેલમાં પણ રોકાવવું પડશે. નિવેદન સમયે કમિટીના તમામ મેમ્બર હાજર રહ્યા હતા.

બાયોસાયન્સ ભવનના પ્રોફેસર નિલેશ પંચાલ પર વિદ્યાર્થિનીએ બીભત્સ માગણી અને ગેરવર્તણૂક કર્યાનો આક્ષેપ કરેલો છે. જેને લઈને બંધ બારણે સિન્ડિકેટ બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રોફેસર પંચાલ સામે એક પીએચડીની વિદ્યાર્થિનીએ આધાર પુરાવા સાથે ફરિયાદ કર્યા બાદ પ્રોફેસરને તાકિદની અસરથી ઘર ભેગો કરી દેવાયો હતો અને નિવૃત્ત જજ દિનેશ ત્રિવેદીના વડપણ હેઠળ કમિટીની રચના કરવામાં આવી હતી. અન્ય એક વિદ્યાર્થિની પણ પ્રોફેસરની કામૂક હરકતોના કારણે અભ્યાસ અધવચ્ચેથી છોડી ગયાની વિગતો સામે આવતા શુક્રવારે આ વિદ્યાર્થિનીને પણ બોલાવવામાં આવી હતી.

વિદ્યાર્થિની પુછપરછમાં એવું બહાર આવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ અલગ-અલગ પ્લાન્ટના નમૂના લેવાના હતા. આ માટે તેને દીવ જવા જણાવાયું હતું. વિદ્યાર્થિની બસમાં દીવ ગઈ હતી. પ્રોફેસર પંચાલ અચાનક જ કારમાં દીવ ગયો હતો અને વિદ્યાર્થિનીને પોતાની કારમાં ધરારથી આગલી સીટમાં બેસાડી નાગવા બીચ ગયો હતો અને ત્યાં દરિયામાં ન્હાવા માટે દબાણ કર્યું હતું. જો કે, વિદ્યાર્થિની ટસની મસ ન થતાં પ્રોફેસર પંચાલે એવી ચિમકી આપી હતી કે, હાલ તો તું એકપણ પ્લાન્ટનો નમૂનો લઈ શકી નથી. આથી હવે પછી તારે મારી કારમાં દીવ આવવું પડશે અને હોટેલમાં પણ રોકાવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.