લથડાતા અર્થતંત્ર માટે વધુ 3 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કરી શકે છે સરકાર

વિશ્વમાં ચીન વિરૂદ્ધના માહોલનો ફાયદો ઉઠાવી ભારત નિકાસ વધારેઃ ગડકરી

દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે 17મી મે સુધીના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકડાઉનના કારણે અર્થતંત્રને ભારે મોટું નુકસાન થઈ શકે છે. જો કે, દેશના લથડાઈ રહેલા અર્થતંત્રને બચાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

એક અહેવાલ પ્રમાણે મહત્તમ 60 અબજ ડોલર એટલે કે આશરે 4.5 લાખ કરોડ રૂપિયા કોરોના સંબંધી ખર્ચ થઈ શકે છે. સરકારને ડર છે કે, જો ખર્ચ આનાથી પણ વધી જશે તો ભારતનું ક્રેડિટ રેટિંગ ઘટશે અને તેનાથી અર્થતંત્રને ભારે નુકસાન પહોંચશે. રેટિંગ એજન્સી ફિચે જો ભારતનું ફિસ્કલ આઉટલુક વધુ ખરાબ થશે તો રેટિંગ પરનું દબાણ ખૂબ વધી જશે તેમ જણાવ્યું હતું.

ભારત સરકારે પહેલાથી જ 1.7 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની ઘોષણા કરેલી છે જે જીડીપીના આશરે 0.80 ટકા જેટલું છે. આ સંજોગોમાં બીજું રાહત પેકેજ જાહેર કરવા માટે સરકાર પાસે જીડીપીની 1.5-2 ટકા સ્પેસ જ બાકી રહે છે. આ કારણે સરકાર મહત્તમ ત્રણ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનું નિવેદન

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોરોના સંકટ વચ્ચે દબાણનો સામનો કરી રહેલા ક્ષેત્રોના સમર્થન માટે શક્યતઃ ગંભીરતાથી રાહત પેકેજ જાહેર કરવા વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. આ મામલે વડાપ્રધાન સ્તરે નિર્ણય લેવામાં આવશે. ગડકરીએ સરકાર મજબૂતાઈથી ઉદ્યોગોને ટેકો આપી રહી છે તેમ જણાવીને રિયલ એસ્ટેટ ક્ષેત્રની સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્ન ચાલુ હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત સરકાર કૃષિ, સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્ર માટે અલગથી નીતિ બનાવવા પણ વિચારી રહી છે. વધુમાં ગડકરીએ જણાવ્યું કે, વિશ્વમાં ચીન વિરૂદ્ધ જે માહોલ સર્જાઈ રહ્યો છે તેનો ભારતે આર્થિક ફાયદો ઉઠાવવો જોઈએ અને નિકાસ વધારીને આર્થિક વૃદ્ધિ દર વધારવા પર ધ્યાન આપવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.