ઊંઝા ઉમિયાનગર ખાતે ૧૮ તારીખ થી રંગેચંગે શરૂ થયેલા મા ઉમાના મહાલક્ષચંડી મહાયજ્ઞાના બીજા દિવસે ગુરુવારના રોજ સવારથી જ શ્રધ્ધાળુઓએ દર્શન અને મૂલાકાત લેવા માટે ભારે ધસારો નોંધાવ્યો હતો. અને સવારે ૭ વાગ્યા થી મુખ્ય બ્રાહ્મણ અને ૧૧૦૦ બ્રાહ્મણો દ્વારા મહાયજ્ઞાની વિધિ આગળ ધપાવવામાં આવી હતી. લક્ષચંડી મહાયજ્ઞાના બીજા દિવસે ગુરુવારના રોજ માતાજીના નીજમંદિર અને મહાયજ્ઞાના દર્શન માટે બહારથી આવતા પાટીદાર સહિત તમામ સમાજોએ ભારે ધસારો નોંધાવતાં મંદિર પરિસર અને ઉમિયાનગર ખાતે શ્રદ્ધાળુઓનું જાણે કે કિડિયારૂ ઉભરાયું હતું. પ્રથમ માતાજીના મંદિરમાં ના અમૂલ્ય દર્શન કરીને તમામ લોકો મહાયજ્ઞાના દર્શન કરવા માટે ઉમિયાનગર ખાતે ઉમટયા હતા. ત્યારે માતાજી સંસ્થાન દ્વારા પાંચ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવના બીજા દિવસના કાર્યક્રમમાં સવારથી યજ્ઞાશાળામાં મુખ્ય બ્રાહ્મણ રાજેશ શુકલ અને ૧૧૦૦ બ્રાહ્મણોની તેમની ટીમ દ્વારા મુખ્ય યજમાન અને અન્ય દૈનિક પાટલાઓના યજમાન સાથે લક્ષચંડી મહાયજ્ઞાની પૂજા અને હવન વિધિ સવારે ૭ વાગ્યાથી શરૂ કરીને આગળ ધપાવી હતી. ત્યારબાદ નિત્યક્રમ મુજબ સવારે ૯ કલાક થી ધર્મસભામાં સવારના સેશનમાં હરીદ્વારના ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી ર્ડા.ઉમાકાન્તનદંજી સરસ્વતીજી મહારાજના આર્શીવચન સાંભળી લાખ્યો લોકો ધન્ય બન્યા હતા. જ્યારે બપોરના સેશનમાં આધ્યાત્મિક ગુરુ મોરારિબાપુએ ધર્મસભા સંબોધી હતી. અને રાત્રીના સેશનમાં કેન્દ્રીય મંત્રી અને રાજ્યના ગૃહમંત્રી સહિતના મંત્રીઓની ઉપસ્થિતિમાં જાહેર સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
લક્ષચંડી મહાયજ્ઞામાં માતાજીના ભક્તો દ્વારા અવિરતપણે દાનનો પ્રવાહ વહેવડાવવમાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના એક ભક્ત સતીષભાઈ પટેલ અને તેમના માતૃશ્રી પાર્વતીબેન પટેલ સહિતના પરિવાર દ્વારા મા ઉમાને મગમાળા, નથણી અને હાર સહિતના ૭ તોલાના સોનાના આભૂષણો અર્પણ કરાયા હતા.
મહોત્સવના બીજા દિવસે પણ મહાયજ્ઞાના દર્શનાર્થે આવી રહેલા શ્રધ્ધાળુઓ દ્વારા માતાજીના ચરણોમાં કરોડો રૂપિયાના દાનનો ધોધ ચાલુ રહેવા પામ્યો છે ત્યારે આ બે દિવસ દરમિયાન શ્રધ્ધાળુઓ દ્વારા પ૦ તોલા સોનુ પણ માતાજીના ચરણોમાં અર્પણ કરાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.