લદ્દાખવાસીઓ ચીની ઘૂસણખોરીને લઈ એલર્ટ રહે, તેમની અવગણના મોંઘી પડશેઃ રાહુલ ગાંધી

ચીન સાથેના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહની મુલાકાત લીધી હતી. વડાપ્રધાનની આ મુલાકાત બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારને લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી મામલે તેના વિરૂદ્ધ પગલા લેવા વિનંતી કરી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, દેશભક્ત લદ્દાખવાસીઓ ચીનની ઘૂસણખોરી વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમના અવાજની અવગણના ન કરવી જોઈએ અને સરકારે તેમની વાત સાંભળવી જોઈએ.

રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વિટ કરી હતી જેમાં કેટલાક લદ્દાખવાસીઓ ચીનની ઘૂસણખોરીની વાત કરતા સંભળાય છે. આ વીડિયોમાં ચીનની ઘૂસણખોરી અને તેમની ગતિવિધિઓ સાથે સંકળાયેલા કેટલાક ફોટો પણ દર્શાવ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, ‘દેશભક્ત લદ્દાખવાસીઓ ચીનની ઘૂસણખોરી વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ બૂમો પાડી પાડીને ચેતવણી આપી રહ્યા છે. તેમની ચેતવણીને નજરઅંદાજ કરવી ભારતને મોંઘી પડી શકે છે. મહેરબાની કરીને ભારત માટે થઈ તેમને સાંભળો.’

લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે ચીનના કથિત આક્રમણને લઈ રાહુલ ગાંધી સતત હુમલો કરી રહ્યા છે. તેમણે શુક્રવારે પણ લદ્દાખવાસીઓ ચીને આપણી જમીન છીનવી લીધી તેમ કહે છે તેવો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વડાપ્રધાન કહે છે કે કોઈએ આપણી જમીન નથી લીધી પરંતુ સ્પષ્ટ રીતે કોઈ ખોટું બોલી રહ્યું છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં કેટલાક લોકો ચીની સૈનિકો આપણા ક્ષેત્રમાં ઘૂસી ગયા હોવાનું જણાવે છે. વીડિયોમાં એક વ્યક્તિ ચીની સૈનિકો ગાલવાન ક્ષેત્રમાં 15 કિમી અંદર ઘૂસી આવ્યા હોવાનું કહેતી સંભળાય છે. તેઓ આપણી જમીન પર ચીનનો કબજો વધી રહ્યો હોવાનું કહેતા પણ સંભળાય છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અચાનક લેહની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે જમીની સ્થિતિનો તકાજો મેળવી સૈનિકોનો ઉત્સાહ વધાર્યો હતો. વડાપ્રધાન લેહની મુલાકાતે હતા તે સમયે જ રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને આખરે કોણ ખોટું બોલે છે તેવો સવાલ કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.