Limbdi Accident: લીંબડી પંથકમાં અકસ્માતની જુદી-જુદી બે ઘટના સર્જાઈ હતી. જેમાં ખંભલાવ માર્ગે વળાંકમાં બાઈક સવાર એસટી બસની અડફેટે આવી જતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે હાઈવે પર પરશુરામધામ નજીક રસ્તામાં આડી ઉતરેલી ગાયને બચાવવા(Limbdi Accident) જતાં બાઇક સવાર ગાય સાથે અથડાઈ પડી જતા પાછળ આવતી ટ્રક બાઇક સવાર પર ચડી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને લીંબડીથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયો હતો.
બાઈક આખુ બસ નીચે આવી ગયું
સુરેન્દ્રનગર હડાળા જતી એસટી બસનો બાઈક સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડી પાસે ખભલાવ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલી એસટી બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક આખુ બસ નીચે આવી જતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ST બસ આગળ બાઇક અથડાતા યુવકનું મોત
લીંબડી હોસ્પિટલ પોલીસ ચોકીએથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, પાણશિણા ગામનો વિજયભાઈ દેવરાજભાઈ મંદુરીયા બાઇક લઇ લીંબડી તરફ આવતી વખતે ખંભલાવ નજીક લીંબડીથી હડાળા તરફ જતી ST બસ આગળ બાઇક અથડાતા વિજય મંદુરીયાને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બનાવમાં લીંબડી નેશનલ હાઈવે પર બોડીયા નજીક પરશુરામધામ પાસે અકસ્માત સર્જાયો હતો.
ટ્રકચાલકે બાઇકચાલકને કચડ્યા
ગોંડલથી બાઇક લઈ મુંજપ તરફ જવા નીકળેલા રાજેન્દ્રસિંહ ભગવતસિંહ તથા જયેશભાઇ ભરતભાઇ રાઠોડના બાઇક આગળ એકાએક આડી ઉતરેલી ગાયને બચાવવા જતા રોડ પર બાઇક સ્લીપ થતાં પાછળ પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક બંને પર ચડી જતા યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને લીંબડી સિવિલમાં પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર ખસેડાયા હતા. લીંબડી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.