લૉકડાઉન-4માં ગુજરાત સરકાર કેન્દ્રના નકશેકદમ પર જ ચાલવાનો નિર્ણય લેશે

– મુખ્યમંત્રીએ કલેક્ટરો, મ્યુ.કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સ કરી

– 18મીથી અમદાવાદના રેડઝોનની બહારના વિસ્તારોમાં ઑફિસો ચાલુ કરવાની પણ છૂટ મળી શકશે : 50 ટકા પેસેન્જર લઈ જતી સિટી બસ ચાલુ થશે

 

લૉકડાઉન – 3 પૂરું થયા પછી કેન્દ્ર સરકાર દ્વારા ઉદાર શરતો સાથે જાહેર કરવામાં આવનારા લૉકડાઉનને જ અનુસરીને ગુજરાતમાં લૉકડાઉન-4માં રાહત આપવામાં આવશે. કેન્દ્રની ગાઈડલાઈનમાં રાજ્યની જરૂરિયાત પ્રમાણે નજીવા ફેરફાર કરીને તેનો અમલ કરવામાં આવશે, તેવો નિર્દેશ જાણકાર સૂત્રો દ્વારા આપવામાં આવી રહ્યો છે. રેડઝોનમાંથી ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં લોકોની અવરજવર અપવાદરૂપ કિસ્સામાં એટલે કે મેડિકલ ઇમરજન્સી જેવા કેસોમા ંજ થાય તેવી જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતા છે. આમ રેડઝોન સલામત નહિ થાય ત્યાં સુધી બહુ મોટી છૂટછાટો મળવાની શક્યતા ઓછી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને કરેલા સંબોધન પછી અને ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટરો, મોટા શહેરોના કમિશનરો, જિલ્લા સ્તરના પોલીસ વડાઓ અને રેન્જ આઈ.જી. સાથે કરેલી ચર્ચા દરમિયાન આવેલા સૂઝાવને અંતે ગુજરાત સરકાર આ દિશામાં આગળ વધે તેવા નિર્દેશો મળી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા યોજવામાં આવેલી વિડીયો કોન્ફરન્સમાં 17મી મેએ લૉકડાઉન-3 પૂર્ણ થાય તે પછી કેવી તકેદારી લેવી તે અંગે દરેકના સૂચનો લઈને સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો.

ઓરેન્જ ઝોનમાં કે ગ્રીન ઝોનમાં ગીચ વસતિ ધરાવતા કે વેપારી એકમો ધરાવતા વિસ્તારમાં એક દિવસ એકી નંબરની અને બીજા દિવસે બેકી નંબરની દુકાન ખોલીને ગીચતા ઓછી કરીને કોરોનાના સંક્રમણને અટકાવવાનું આયોજન કરવાનો સૂઝાવ પણ વિડીયો કોન્ફરન્સમાં કરવામાં આવ્યો હતો. તેમાં દુકાન માલિકોને પણ તમામ સ્ટાફને ન બોલાવીને 50 ટકા કે તેનાથી ઓછા સ્ટાફને બોલાવીને કામકાજ કરવા જણાવવામાં આવે તેવી સંભાવના હોવાનું સરકારમાંના જાણકાર સૂત્રોનું કહેવું છે.

સ્ટાફને શરદી ખાંસી ન હોય અને તેના થકી કોરોના ન ફેલાય તેની તકેદારી રાખવાની જવાબદારી દુકાનના માલિકો અને ઑફિસના મેનેજમેન્ટ પર નાખવામાં આવશે. તેમના આરોગ્યની ચકાસણી કરાવવાની જવાબદારી પણ તેમને માથે જ નાખવામાં આવે તેવી સંભાવના છે. દર રોજ થર્મલ ગનથી તેમની ચકાસણી કરવાની જવાબદારી તેમને માથે નાખવામાં આવે તેવી શક્યતા છે.

લૉકડાઉન -4માં મીઠાઈ અને ફરસાણવાળાઓને પણ છૂટછાટ આપવામાં આવે તેવી સંભાવના છે. રેસ્ટોરાંમાંથી પણ ટેક અવેની સુવિધા ચાલુ કરવાની છૂટ આપવામાં આવે તેવી સંભાવના રહેલી છે. અમદાવાદ શહેરના રેડઝોનમાં આવતા દસ વિસ્તારોની બહાર પણ દુકાનો અને ઑફિસો ખોલવાની મંજૂરી મળવાની સંભાવના છે. સુરત ને વડોદરામાં પણ આ જ લાઈન પર ઉદાર શરતોએ વેપાર-ઉદ્યોગના એકમોને ચાલુ કરવાની છૂટ મળશે. હા, લિમિટેડ સ્ટાફને બોલાવીને તે ચાલુ કરવાની છૂટ આપવામાં આવે તેવી સંભાવના રહેલી છે.

રેડઝોનના નાગરિકોને તેમના વિસ્તારમાંથી બહાર જવાનીછૂટ મળશે નહિ. તેમને મેડિકલ ઇમરજન્સી સિવાય બહાર જવા ન મળે તેવી ગોઠવણ કરીને કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવાનો પ્રયાસ ચાલુ રાખવામાં આવશે. રેડ ઝોનની એન્ટ્રી અને એક્ઝિટ પર ચુસ્ત ચેકિંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી સંભાવના છે.

સત્તરમી મેએ પૂરા થઈ રહેલા લૉકડાઉન-3 પછી ગુજરાતમાં કયા વિસ્તારોમાં કેટલી છૂટછાટ આપવી તે  અંગે ચોક્કસ તારણ પર આવી શકાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગુજરાતના તમામ જિલ્લાના કલેક્ટરો અને તમામ નાનામોટો શહેરના કમિશનરા, જિલ્લા સ્તરના પોલીસ વડાઓ અને રેન્જ આઈ.જી. સાથે વિચારોની આપલે કરી હતી. જોકે આખરે તો કેન્દ્રની ગાઈડલાઈનને માન્ય રાખીને તેમાં રાજ્યની જરૂરિયાત મુજબ થોડા ફેરફાર કરીને તેનો અમલ કરાય તેમ જાણવા મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.