– ડોક્ટરોની ટીમને શહેરોની સોસાયટીઓમાં રેન્ડમ ચેકઅપનો આદેશ
– આગામી મહિનાથી જર્મનીના તમામ નાગરિકોનો એક વર્ષ સુધી નિયમિત કોરોના ટેસ્ટ થાય તેવી શક્યતા : નાગરિકોનો પણ સરકારી પ્રોજેક્ટમાં સંપૂર્ણ સહકાર
જર્મનીએ લોકડાઉનની સ્થિતિમાંથી બહાર નીકળવા માટે અને અર્થતંત્રને પાટે ચડાવવાના હેતુથી કોરોના ટેસ્ટનું કેમ્પેઈન શરૂ કર્યું છે. ડોક્ટરોની ટીમ શહેરમાં ફરી રહી છે અને રેન્ડમ ટેસ્ટ કરીને કોરોનાના ફેલાવાની તપાસ કરી રહી છે. આગામી મહિનામાં આખી વસતિનું ચેકઅપ હાથ ધરવાનું પણ સરકારનું આયોજન છે. નાગરિકો પણ એમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યાં છે.
જર્મની દુનિયાનો પહેલો એવો દેશ બન્યો છે કે જ્યાં રેન્ડમ ટેસ્ટ શરુ કરવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમ શહેરમાં ફરીને કોઈના પણ ઘરે જઈને ચેકઅપ કરી રહી છે. એના અહેવાલ પરથી સરકાર લોકડાઉન હટાવવા બાબતે ગંભીરતાથી વિચારશે. કઢળેલા અર્થતંત્રને પાટે ચડાવવા માટે જર્મનીએ લોકડાઉન હટાવ્યા પહેલાં ચેકઅપનું કેમ્પેઈન શરૂ કર્યું છે. કદાચ આગામી મહિનાથી એક વર્ષ સુધી નિયમિત નાગરિકોના બ્લેડના સેમ્પલ લેવાશે અને તેનું ટેસ્ટિંગ કરાશે. બીજી વખત કોરોના માથું ન ઊંચકે એ માટેના પ્રયાસો અત્યારથી શરુ કરી દેવાયા છે.
નાગરિકોએ પણ આ પ્રોજેક્ટમાં સંપૂર્ણ સહકાર શરુ કર્યો છે. લોકોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે સરકાર તેમ જ સ્વાસ્થ્ય વિભાગ તેમનું કામ કરે છે અને દરેક નાગરિકે તેમાં સહયોગ આપવો તે તેમની ફરજ છે. જેમના શરીરમાં કોરોનાના કોઈ લક્ષણો નથી તેમનું પણ રેન્ડમ ચેકઅપ થશે. ડોક્ટરોની ટીમ શહેરી વિસ્તારોમાં જઈને સેમ્પલ લઈ રહી છે અને ટેસ્ટ થઈ રહ્યા છે.
વાયરસના મૂળ કેટલા ઊંડા છે તે જાણવા માટે પહેલાં સેમ્પલ લેવાઈ રહ્યા છે. એ પછી સરકાર લોકડાઉનમાંથી બહાર નીકળવાનો નિર્ણય લેશે. જર્મનીમાં અત્યારે દરરોજ ૧.૨૦ લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.