આણંદ તાલુકાના વલાસણ ગામે લોકડાઉનનો ભંગ કરી જાહેરમાં એકત્ર થયેલ લોકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા જતા પોલીસને લોકોએ ઘેરી લઈ પોલીસ ઉપર હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે કુલ પાંચ શખ્શો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ હાલ લોકડાઉનની પરિસ્થિતિને લઈને વલ્લભવિદ્યાનગર પોલીસ મથકના પી.આઈ. સહિતનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. દરમ્યાન તેઓ વલાસણ ગામે પહોંચતા રોહિતવાસના રામવાડી પાસે કેટલાક શખ્શો જાહેરમાં ટોળું વળી બેઠા હોવાનું જણાયું હતું.
જો કે પોલીસને જોઈ ભાગદોડ મચી ગઈ હતી. જેથી પોલીસે તેઓને પકડવા માટે ટોળાની પાછળ દોડતા લોક રક્ષક દળના જવાને એક શખ્શને ઝડપી પાડયો હતો અને તેને પોલીસ મથકે લાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે એક મહિલા સહિત અન્ય ચાર વ્યક્તિઓએ લોક રક્ષક દળના જવાનને ઘેરી લઈ જવાને પકડેલ શખ્શને છોડાવી લીધો હતો. બાદમાં પાંચેય વ્યક્તિઓએ ભેગા મળી લોકરક્ષક જવાનને ગડદાપાટુનો માર મારી કપડાં ફાડી નાખ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.