– કોરોના સામે વિશ્વની સરખામણીમાં ભારતની સ્થિતિ ઘણી સારી, આપણે તેને બગડવા દેવી જોઈએ નહીં : વડાપ્રધાન
– તહેવારોના સમયમાં માસ્ક વિના બહાર નીકળીને તમે તમારા પરિવાર, સંતાનો અને વૃદ્ધો માટે મોટું જોખમ ઊભું કરો છો
કોરોના સામેની લડાઈમાં જનતા કર્ફ્યુથી શરૂ કરી આપણે લાંબો પ્રવાસ ખેડયો છે. સમયની સાથે આર્થિક પ્રવૃત્તિઓ પણ ધીમે ધીમે શરૂ થઈ રહી છે. આપણામાંથી મોટાભાગના લોકો પોતાની જવાબદારીઓ પૂરી કરવા રોજ ઘરમાંથી બહાર નીકળે છે. તહેવારોના સમયમાં બજારોમાં પણ ધીમે ધીમે ઉત્સાહ પાછો ફરી રહ્યો છે. આમ છતાં આપણે એ ન ભૂલવું જોઈએ કે લૉકડાઉન ભલે જતું રહ્યું હોય, પરંતુ કોરોના વાઈરસ નથી ગયો. કોરોના સામે ભારતની સ્થિતિ આજે સ્થિર છે, આપણે તેને બગડવા દેવી જોઈએ નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાકાળમાં મંગળવારે સાતમી વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આપણે આગામી ૭થી ૮ મહિના ખૂબ જ સાવધાની રાખવાની છે અને સ્થિતિમાં સુધારા માટે વધુ પ્રયાસો કરવાના છે. આજે દેશમાં રિકવરી રેટ સારો છે, મૃત્યુદર ઓછો છે. દુનિયાના સમૃદ્ધ દેશોની સરખામણીમાં ભારત તેના વધુમાં વધુ નાગરિકોનું જીવન બચાવવામાં સફળ રહ્યો છે. કોવિડ મહામારી વિરુદ્ધની લડાઈમાં ટેસ્ટની વધતી સંખ્યા આપણી મોટી તાકત છે.
તેમણે ઉમેર્યું હતું કે, સેવા પરમો ધર્મના મંત્ર પર ચાલતા આપણા ડૉક્ટર્સ, નર્સ, હેલ્થ વર્કર્સ આટલી મોટી વસતીની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે. આ બધા પ્રયાસો વચ્ચે બેદરકાર બનવાનો કોઈ અર્થ નથી. તહેવારોની મોસમ આવતાં અનેક લોકો બેદરકાર બની ગયા છે. તેમનું માનવું છે કે કોરોના જતો રહ્યો, અથવા હવે કોરોનાથી કોઈ જોખમ નથી, પરંતુ માસ્ક વિના બહાર નીકળીને તમે તમારા પરિવાર, સંતાનો અને વૃદ્ધો માટે મોટું જોખમ ઊભું કરી રહ્યા છો. યાદ રાખો કોરોનાની દવા ન મળે ત્યાં સુધી કોઈ ઢીલાશ રાખવાની નથી.
દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા ૧૦ મહિનામાં મેડિકલ ઓક્સિજનની જરા પણ અછત નથી. દેશમાં મેડિકલ ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા વધારીને સપ્ટેમ્બરમાં દૈનિક ૬,૮૬૨ મેટ્રિક ટન કરવામાં આવી હતી અને તેને હજુ વધારીને ઑક્ટોબરના અંત સુધીમાં દૈનિક ૭,૧૯૧ મેટ્રિક ટન કરાશે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે આગોતરાં પગલાં ભરતાં ૧૮ રાજ્યોની ૨૪૬ હોસ્પિટલોમાં ઓક્સિજન ઉત્પાદન એકમો સ્થાપવાની પ્રક્રિયા શરૂ કરી છે, જે પ્રથમ તબક્કામાં છે. તેમાંથી કેટલાક પ્લાન્ટનું કામ પૂરું થવાની તૈયારી છે.
બીજા તબક્કામાં ૩૦ રાજ્યોમાં ૧૫૦થી વધુ હોસ્પિટલોમાં આવા પ્લાન્ટ્સ ઈન્સ્ટોલ કરાશે. મેડિકલ ઑક્સિજનની ઉપલબ્ધતાની બાબતમાં આપણે ખૂબ જ સારી સ્થિતિમાં છીએ. મેડિકલ ઓક્સિજનની વિપુલતાને પગલે સ્વાસ્થ્ય મંત્રાલયે એક લાખ મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનની આયાત કરવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.