લૉકડાઉન ખોલો અથવા અમે જાતે જ કામકાજ શરૂ કરી દઈશું : ઈટાલીમાં ઉદ્યોગોની વડાપ્રધાનને ચેતવણી

– ફ્રાન્સમાં એરક્રાફ્ટ કેરિયર ચાર્લ્સ ડી ગુલે પર ૧,૭૬૦ સૈનિકોમાંથી ૧,૦૪૬ના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા

– લૉકડાઉન ખોલો અથવા અમે જાતે જ કામકાજ શરૂ કરી દઈશું : ઈટાલીમાં ઉદ્યોગોની વડાપ્રધાનને ચેતવણી

કોરોનાથી ઈટાલીમાં ૨૩,૨૨૭થી વધુ લોકોનાં મોત થયા છે અને કુલ કેસની સંખ્યા ૧,૭૫,૯૨૫થી વધુ થઈ ગઈ છે. વિશ્વમાં મૃત્યુઆંકની બાબતમાં અમેરિકા પછી ઈટાલી બીજા ક્રમે હોવા છતાં યુરોપમાં કોરોનાના એપી સેન્ટર એવા આ દેશમાં લોકો અને ઉદ્યોગો લૉકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા ઈટાલીમાં પણ ૩જી મે સુધી લૉકડાઉન જાહેર કરાયું છે તેમ છતાં લોકો લૉકડાઉન તોડીને બહાર નીકળી રહ્યાં છે. અમેરિકાની જેમ આ યુરોપીયન દેશમાં પણ લૉકડાઉનનો વિરોધ થઈ રહ્યો છે. ઉદ્યોગોએ પણ સરકારને લૉકડાઉન ઉઠાવી લેવા અથવા તેઓ જાતે જ કામકાજ શરૂ કરી દેશે તેવી ચેતવણી આપી છે. દરમિયાન વિશ્વમાં રવિવારે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧,૬૨,૦૪૫ થયો છે અને કુલ કેસ ૨૩,૬૧,૯૮૩ થયા છે.

કોવિડ-૧૯ના કારણે વિશ્વના ૧૯૩ દેશોમાં ૨૩,૬૧,૯૮૩ કેસ નોંધાયા છે, જેમાંથી ૬,૦૭,૪૩૪ લોકો સાજા થયા છે. ઈટાલીમાં કોરોના વાઈરસની ગંભીર સ્થિતિ છતાં લૉકડાઉનના આદેશોનો ભંગ કરીને લોકો રવિવારે બહાર નીકળ્યાં હતા. ઈટાલીમાં માર્ચના પ્રારંભથી લૉકડાઉનનો અમલ ચાલી રહ્યો છે ત્યારે સૌપ્રથમ વખત રવિવારે લોકોને આખરે રસ્તા પર મુક્તપણે ચાલવાની મંજૂરી મળશે તેવી અફવા ઊડી હતી. ઈટાલીમાં લૉકડાઉનનો ભંગ કરીને બહાર નીકળનારાને દંડની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો ઘરોમાં રહીને એટલા કંટાળી ગયા છે કે વડાપ્રધાન ગુઈસેપ્પે કોન્ટેની ઓફિસમાંથી એક અનામી વ્યક્તિએ મીડિયાને કહ્યું કે ‘કશું જ બદલાશે નહીં.’

વડાપ્રધાન કોન્ટે પર એક તરફ લોકોનું ઘરોમાંથી બહાર નીકળવા દબાણ થઈ રહ્યું છે તો બીજીબાજુ ઉદ્યોગો પણ કામકાજ શરૂ કરવા મંજૂરી આપવા માટે દબાણ કરી રહ્યા છે. મિલાનના લોમ્બાર્ડી અને વેનિસના વેનેટો પ્રદેશોમાં અગ્રણી ઉદ્યોગપતિઓએ ચેતવણી આપી છે કે ટૂંક સમયમાં કામકાજ શરૂ નહીં થાય તો તેઓ પોતાની રીતે કારોબાર શરૂ કરી દેશે. વેન્ટોના ગવર્નર લુકા ઝાઈઆએ જણાવ્યું હતું કે, આપણે બધું જ બંધ કરીને મરવા સુધી અથવા વાઈરસના જવા સુધી રાહ જોઈએ અથવા આપણે બધું ખોલી દઈએ અને જીવીએ.

લા રીબ્લિકા દૈનિક મુજબ રવિવારે ઈટાલીની અડધી વસતી એટલે કે અંદાજે ૧.૧૫ કરોડ લોકોએ કામકાજના અભાવે આવક બંધ થઈ જતાં સરકારી સહાય માટે અરજી કરી છે. કોન્ફિડુસ્ટ્રીયા એપ્લોયર્સ ફેડરેશનના જણાવ્યા મુજબ અંદાજે ૯૭.૨ ટકા કંપનીઓએ લૉકડાઉનના કારણે નુકસાન દર્શાવ્યું છે. લા રિપબ્લિકાએ દાવો કર્યો છે કે વડાપ્રધાન કોન્ટેએ આપેલી ૨૭ અબજ યુએસ ડોલરની સહાય ખર્ચાઈ ગઈ છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન કોન્ટે ઈટાલીમાં લૉકડાઉન ૩મેથી પણ આગળ લંબાવવા વિચારતા હતા, પરંતુ આર્થિક પરિસ્થિતિ અને રાજકીય હુમલાઓ વચ્ચે વડાપ્રધાન કોન્ટે ટૂંક સમયમાં લોકડાઉનનો અંત લાવે અને વ્યાપારિક કામકાજને મંજૂરી આપે તેવી સંભાવના છે.

 દરમિયાન ફ્રાન્સમાં રવિવારે કોરોનાથી વધુ ૩૯૫નાં મોત નીપજ્યાં હતાં. આથી અહીં કુલ મૃત્યુઆંક ૧૯,૭૧૮ થયો હતો જ્યારે કેસની સંખ્યા ૧,૫૧,૭૯૩એ પહોંચી હતી. ફ્રાન્સના સૈન્યના જણાવ્યા મુજબ દેશના ફ્લેગશીપ એરક્રાફ્ટ કેરીયરના વિદેશમાં અડધાથી વધુ જવાનો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમના એરક્રાફ્ટ કેરીયર પર ૧,૭૬૦ સૈનિકોમાંથી ૧,૦૪૬ સૈનિકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

દેશ

કેસ

મૃત્યુ

રિકવર

અમેરિકા

૭,૪૦૯૨૮

૩૯,૦૮૪

૬૮,૫૯૯

સ્પેન

૧,૯૫,૯૪૪

૨૦,૪૫૩

૭૭,૩૫૭

ઈટાલી

૧,૭૫,૯૨૫

૨૩,૨૨૭

૪૪,૯૨૭

ફ્રાન્સ

૧,૫૧,૭૯૩

૧૯૭૧૮

૩૫,૯૮૩

જર્મની

૧,૪૪,૩૪૮

૪,૫૪૭

૮૮,૦૦૦

બ્રિટન

૧,૨૦,૦૬૭

૧૬,૦૬૦

ચીન

૮૨,૭૩૫

૪,૬૩૨

૭૭,૦૬૨

તુર્કી

૮૨,૩૨૯

૧,૮૯૦

૧૦,૪૫૩

ઈરાન

૮૨,૨૧૧

૫,૧૧૮

૫૭,૦૨૩

રશિયા

૪૨,૮૫૩

૩૬૧

૩,૨૯૧

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.