તાજ ડેપોની બસના ડ્રાઈવરની ધરપકડ, ચાર ઘાયલો પૈકીના બેને મેરઠ લઈ જવાયા
લોકડાઉનના કારણે પગપાળા ઘરે જઈ રહેલા પ્રવાસી મજૂરો સાથેની દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર ખાતેથી પણ આવી જ એક ઘટના સામે આવી છે.
બુધવારે મોડી રાતના સમયે બનેલી આ દુર્ઘટનામાં રોડવેઝની એક બસે સહરાનપુર સ્ટેટ હાઈવે પર 10 પ્રવાસી મજૂરોને કચડી નાખ્યા હતા. આ તમામ મજૂરો પગપાળા પંજાબથી બિહાર જઈ રહ્યા હતા અને ઘલૌલી ચેકપોસ્ટ પાસે બનેલી આ દુર્ઘટનામાં છ મજૂરોના મોત થયા છે.
અકસ્માત બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જરૂરી કાર્યવાહી બાદ આગ્રાના તાજ ડેપોની રોડવેઝની બસના ડ્રાઈવરની ધરપકડ કરી હતી. દુર્ઘટનાનો ભોગ બનેલા મજૂરો બિહારના ગોપાલગંજના હોવાનું સામે આવ્યું છે અને મૃતદેહોને રાતના સમયે જ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.
મુઝફ્ફરનગર-સહરાનપુર સ્ટેટ હાઈવે-59 પર રોહાના ટોલ પ્લાઝા પાસે થયેલા આ અકસ્માતમાં ચાર મજૂરો ગંભીર રીતે ઘવાયા હતા જે પૈકીના બેને મેરઠ રિફર કરવામાં આવ્યા હતા. અગાઉ મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં એક ટ્રક પલટી જવાના કારણે પાંચ મજૂરોના કરૂણ મોત થયા હતા અને તે સિવાય 11 મજૂરો ઘાયલ થયા હતા.
તેના પહેલા મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે રેલવેના પાટા પર સૂઈ રહેલા 17 મજૂરો પર માલગાડી ફરી વળી હતી અને 16 મજૂરોના મોત થયા હતા. મહારાષ્ટ્રના જાલનાથી મધ્ય પ્રદેશ જઈ રહેલા 20 મજૂરો પૈકીના 17 મજૂરોએ થાકના કારણે પાટા પર લંબાવ્યું હતું અને તે તેમની અંતિમ ચિરનિંદ્રા બની ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.