રાજ્યના શહેરી વિસ્તારોમાં હજુ પણ લોકડાઉનનો ભંગ થતો હોવાના કિસ્સાઓ સામે આવતા હવે પોલીસે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રસ્તા ઉપર વારંવાર નીકળતા કે શંકાસ્પદ જણાતા વાહનચાલકોને પકડવાનું શરૂ કર્યું છે. ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે ડ્રોન અને સીસીટીવી સર્વેલન્સ ઉપરાંત હવે ઓટોમેટીક નંબર પ્લેટ રેકગ્નાઇઝેશન સોફ્ટવેરની મદદથી આવા વાહનચાલકોને ઓળખીને કાર્યવાહી કરાશે.
રસ્તા ઉપર ફરતા વાહનોનું એનાલિસીસ કરીને એક જ નંબર ધરાવતા વાહનની રૂટ હિસ્ટ્રી તપાસી બિનજરૂરી ફરતા વાહચાલકોની યાદી તૈયાર કરીને ગુનો દાખલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાશે. ઝાએ કહ્યું કે કેટલાક સ્થળોએ એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કેટલાક લોકો તેમને મળેલા પાસનો દૂરૂપયોગ કરીને લોકડાઉનની સ્થિતિમાં મુસાફરોને વાહનમાં બેસાડીને હેરફેર કરે છે. આવા વાહનચાલકો સામે પણ કાર્યવાહી શરૂ કરાઇ છે. ડ્રોન મારફતે પાસ ધરાવતા વાહનો પર પણ નજર રખાઇ રહી છે.
અમદાવાદ સહિતના મહાનગરોમાં લોકડાઉન ભંગના કિસ્સા વધતા આવા વિસ્તારો આઇડેન્ટીફાઇ કરીને ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે. ડ્રોનની સંખ્યા વધારીને 114 કરાઇ છે અને હજારો સીસીટીવી કેમેરા દ્વારા હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. લોકડાઉન દરમિયાન છેલ્લા 24 કલાકમાં વધુ 1865 ગુના દાખલ કરીને 2724 લોકોની અટકાયત કરાઇ છે અને 8172 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.