લોકડાઉનમાં સરકાર વન નેશન, વન રાશન કાર્ડ યોજનના અમલ અંગે વિચાર કરે: સુપ્રીમ

 

કોરોના લોકડાઉન દરમિયાન સ્થળાંતરિત શ્રમિકોને સરળતાથી સબસિડીવાળું અનાજ મળી રહે તે માટે હંગામી ધોરણે એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ યોજનાનો અમલ કરવા અંગે વિચારવામાં આવે તેમ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું છે.

કેન્દ્ર સરકારની આ સ્કીમ ચાલુ વર્ષે જૂન મહિનામાં શરૃ થવાની છે. ન્યાયમૂર્તિ એન વી રમાણા, સંજય કિશન કૌલ અને બી આર ગવાઇએ સોમવારે રજૂ કરેલા પોતાના આદેશમાં જણાવ્યું હતું કે અમે કેન્દ્ર સરકારને હાલના સમયે આ યોજના અમલમાં મૂકવાની વ્યવહારિકતા પર વિચાર કરવા અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી એક યોગ્ય નિર્ણય લેવાના નિર્દેશ આપીએ છીએ.

સુપ્રીમ કોર્ટે આ સાથે જ એડવોકેટ રિપક કંસલે દાખલ કરેલી અરજીનો પણ નિકાલ કરી દીધો હતો. આ અરજીમાં એડવોકેટે સ્થળાંતરિત મજૂરો અને લોકડાઉનને કારણે વિવિધ સ્થળોએ ફસાઇ ગયેલા નાગરિકોને લાભ માટે આ યોજના શરૃ કરવાની માગ કરી હતી.

આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન પ્રવાસી શ્રમિકો, લાભાર્થીઓ, રાજ્યોના રહેવાસી અને પર્યટકોના હિતોની રક્ષા કરવા માટે અને તેમને સબસિડીયુક્ત ખાદ્યાન્ન અને સરકારી યોજનાઓના લાભ ઉપલબ્ધ કરાવવા માટે  હંગામી ધોરણે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડનો અમલ કરવા માટે કોર્ટને હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.

કંસલે દાવો કર્યો છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાના નાગરિકો અને મતદારોને પ્રાથમિકતા આપી રહી છે અને પ્રવાસી મજૂરો અને બીજા રાજ્યના રહેવાસીઓને સબસિડીવાળી કીંમતે ખાદ્યાન્ન, ભોજન, રહેઠાણ અને આરોગ્ય સુવિધા આપી રહી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.