લોકડાઉન શરૂ થયા બાદ આટલો વધ્યો સોનાનો ભાવ, દિવાળી સુધીમાં….

2021ના અંત સુધીમાં સોનું 80,753 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આવે તેવી શક્યતા

લોકડાઉનમાં ભલે ખેડૂતોને મળતી અનાજ, ફળ, શાકભાજી વગેરેની કિંમત ઘટી ગઈ હોય પરંતુ પીળી ધાતુ સોનાની કિંમત ભારે છલાંગ લગાવી રહી છે. એક તરફ દિલ્હી સહિત સમગ્ર દેશનું બુલિયન માર્કેટ બંધ છે અને તેમ છતા લોકડાઉન લાગુ થયું ત્યારથી અત્યાર સુધીમાં સોનું 2,383 રૂપિયા એટલે આશરે 5.5 ટકા મોંઘુ થયું છે. જો કે, મંગળવારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો અને બજારમાં તેની કિંમત 45,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી નીચે જોવા મળી હતી.

સોના સિવાયનો વિકલ્પ શું?

વેપારીઓના મતે હાલ શેર બજારનું કોઈ ઠેકાણું નથી અને બેંકોનો વ્યાજ દર પણ જમીન પર આવી ગયો છે, કોઈ વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા તૈયાર નથી માટે લોકો સોનામાં રોકાણનું સરળ સમાધાન શોધી રહ્યા છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ આગામી દિવાળી સુધીમાં સોનું 52થી 53 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચશે તેવું અનુમાન લગાવવામાં આવે છે.

સામાન્ય લોકો નહીં પણ બીજું કોઈ ખરીદી રહ્યું છે સોનું

લોકડાઉનમાં સામાન્ય નાગરિકો સોનાની ખરીદી નથી કરી રહ્યા પરંતુ કેન્દ્રીય બેંક, ફંડ મેનેજર્સ, સ્વતંત્ર રોકાણકારો વગેરે આખી દુનિયામાં વિવિધ એક્સચેન્જ પરથી સોનાની ખરીદી કરી રહ્યા છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોનાનો ભાવ રેકોર્ડ સમાન ઉંચાઈએ છે. આ જ કારણસર લોકડાઉન છતા સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 2,383 રૂપિયા ઉંચો ગયો છે.

સોનાની અનિશ્ચિત ચાલ

25મી માર્ચે લોકડાઉન શરૂ થયું ત્યારે સોનાનો ભાવ 43,424 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. પરંતુ 13મી એપ્રિલે તે 46,000ની સપાટીને પાર કરી ગયો હતો. 16મી એપ્રિલ, 2020ના રોજ તે 46,928 રૂપિયાના ઐતિહાસિક સ્તરે પહોંચ્યું હતું પરંતુ 17મી એપ્રિલના રોજ સોનાની કિંમતોમાં ભારે મોટો ઘટાડો નોંધાયો હતો અને તે ઘટીને 45,766 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું. ત્યાર બાદ વધ-ઘટ સાથે સોમવારે સોનું 45,807ના ભાવથી બંધ રહ્યું હતું.

સોનામાં કોઈ ઘટાડો આવશે?

દિલ્હી બુલિયન એન્ડ જ્વેલર્સ વેલફેર અસોશિએશનના અધ્યક્ષ વિમલ ગોયલના કહેવા પ્રમાણે સોનાના ભાવોમાં જૂન સુધીમાં ગમે ત્યારે હજુ એક વખત ઘટાડો આવી શકે છે. જ્યારે સોના ઉપર પ્રોફિટ બુકિંગ હાવી હશે ત્યારે તમે સોનામાં ખરીદી કરી શકો છો. તેમના મતે એક વખત 50,000થી ઉપરની કિંમતે સોનામાં વેચાણ હાવી થશે કારણ કે, ભારતમાં લોકડાઉનના કારણે ઘરેલુ માંગને ભારે મોટો ઝાટકો પહોંચ્યો છે. જો કે, તેમણે દિવાળી સુધીમાં સોનું 52થી 53 હજાર રૂપિયાનો ભાવ બતાવશે તેમ જણાવ્યું હતું.

સોનાનો ભાવ વધવાનું કારણ

આંતરરાષ્ટ્રીય બજારોમાં 2021 સુધીમાં સોનું 80,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ભાવ લાવે તેવું અનુમાન છે. બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝના એનાલિસ્ટ્સે 2021ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમત 3,000 ડોલર પ્રતિ ઓંસ થશે તેવો અંદાજ લગાવ્યો છે. તેને ભારતીય રૂપિયા અને ગ્રામમાં બદલીએ તો પ્રતિ 10 ગ્રામ સોનાનો 80,753 રૂપિયા ભાવ આવે છે.

રોકાણકારો માટે પહેલી પસંદ

ગોયલના કહેવા પ્રમાણે કોરોના વાયરસના કારણે ફાઈનાન્સિયલ માર્કેટની હાલત બગડી છે. બેંકોમાં પણ કોઈ ખાસ રિટર્ન નથી મળી રહ્યા અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ કોઈ જાદુ નથી જણાતો. ઉપરાંત જમીન, મિલકતોમાં પણ કશું ભવિષ્ય નથી માટે લોકો રોકાણ માટે સોના પર નજર રાખી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.