લોકો ઘરમાં કેદ થતા ઘરેલુ હિંસાના કેસો વધ્યા 181 પર 3525થી વધુ ફરિયાદો મળી

23 માર્ચથી 19 એપ્રિલ સુધીના લોકડાઉનના સમયમાં સૌથી વધુ ફરિયાદો

નારી અદાલતમાં પણ 40થી 50 જેટલા કેસ આવ્યાઃ મહિલા આયોગને ઈમેઈલથી અનેક ફરિયાદો મળી: કુલ 8078 ફરિયાદોમાં સૌથી વધુ 43.64 ટકા ફરિયાદ ઘરેલુ હિંસાની

ગુજરાતમાં લગભગ છેલ્લા એક મહિનાથી લોકડાઉન છે ત્યારે લોકો ઘરમા કેદ થતા અને પતિ-પત્નીનો સાથે રહેવાનો સમય વધી જતા ઘરેલુ હિંસાની ફરિયાદોમાં વધારો થયો છે.ફેબુ્રઆરીમાં ગુજરાતમાં મહિલા સુરક્ષા માટેની સરકારની ૧૮૧ નંબરની હેલ્પલાઈન પર  નોંધાયેલી ૩૨ ટકા જેટલી ફરિયાદો સામે ૨૩ માર્ચથી ૧૯ એપ્રિલ દરમિયાન ૪૩.૬૪ ટકા ફરિયાદો ઘરેલુ હિંસાની નોંધાઈ છે.

ગુજરાત સરકારની મહિલા સુરક્ષા માટેની ૧૮૧ નંબરની અભયન હેલ્પ લાઈન પર ૧૯ એપ્રિલ સુધી સમગ્ર ગુજરાતમાંથી ૮૦૭૮ જેટલી જુદી જુદી ફરિયાદો આવી હતી તેમાં ડોમેસ્ટિક વાયોલન્સની એટલેકે ઘરેલુ હિંસાની-સ્ત્રી સામે અત્યાચાર,બોલાચાલી,મારામારી,શોષણની ૩૫૨૫ જેટલી ફરિયાદો આવી છે.આમ કુલ ફરિયાદોમાંથી ૪૩.૬૪ ટકા જેટલી ફરિયાદો તો ઘરેલુ હિંસાની છે. માર્ચ પહેલા ના એટલે કે લોકડાઉનના પહેલાના દિવસોમાં ઘરેલુ હિંસાની ૩૨.૮૩ ટકા જેટલી ફરિયાદો આવી હતી આમ ૧૦ ટકા જેટલી ફરિયાદો વધી છે. સમગ્ર દેશની વાત કરીએ તો લોકડાઉન દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગને પણ ૫૮૭ ફરિયાદો મળી હતી જ્યારે ગુજરાત મહિલા આયોગના ચેરમેનના જણાવ્યા મુજબ લોકડાઉન દરમિયાન અત્યાર સુધીમાં ઈમેઈલ દ્વારા ૧૭ જેટલી ઘરેલુ હિંસાની ફરિયાદો આવી છે. તેમજ નારી અદાલતોમાં ૪૦થી૫૦ જેટલા કેસ સ્ત્રી શોષણ-ઘરેલુ હિંસાના આવ્યા છે.એક્શન એડ સંસ્થાને મળેલી કેટલીક પત્નીઓની ફરિયાદો મુજબ હાલ લોકડાઉનમાં પતિ કામ પર જતા નથી અને મોડા સુધી ઘરમા સુતા રહે છે તેમજ છોકરાઓના અવાજ થાય તો પતિ દ્વારા ગાળાગાળી કરવામા આવે છે અને મારામારી પણ કરે છે.

આ ઉપરાંત ગીચ વસ્તી ધરાવતા ઝુપડપટ્ટી વિસ્તારોમાં પુરુષો દ્વારા દારૃ પીને પત્નીને મારવાની ઘટનાઓ પણ બને છે અને કેટલીક મહિલાઓની આવી પણ ફરિયાદો આવી છે.  ફેમિલી કોર્ટ કેસ એકસપર્ટ  આરૃષી દેસાઈના જણાવ્યા મુજબ લોકડાઉનમાં પુરુષો ઘરમાં વધુ સમય રહેતા અને પતિ-પત્ની સાથે રહેવાનો સમય વધવા ઉપરાંત હાલ યુગલોની એક બીજા પ્રત્યેની સહનશિલતા પણ ઓછી થઈ છે.ઉપરાંત એક બીજાના જીવનમાં વધારે પડતી દખલગીરીથી ઘરેલુ હિંસા પણ વધ છે.ખાસ કરીને લોકડાઉનમાં કોર્ટો બંધ રહેતા ઘરેલુ હિંસાની ફરિયાદો વધી છે અને આર્થિક,શારીરિત તેમજ માનસિક રીતે સ્ત્રીઓનું શોષણ વધ્યુ છે.મહત્વનું છે કે આજે તો માધુરી દિક્ષીત,કરણ જોહર  સહિતના અનેક ફિલ્મ સ્ટારોએ પણ સોશિયલ મીડિયાના માધ્યથમી ઘરેલુ હિંસાની ફરિયાદો નોંધાવવા માટે અને અવાજ ઉઠાવવા આગળ આવીને મેસેજ આપ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.