Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડશે ઓવૈસીની પાર્ટી, આ બે સીટો પર ઉતારશે ઉમેદવાર

Gujarat Loksabha Election: હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી  AIMIM એ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઓવૈસીની પાર્ટી ભરૂચ અને ગાંધીનગર લોકસભા સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે.

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 7 મેએ 26 સીટો પર મતદાન યોજાવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ 26 સીટો પર ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. કોંગ્રેસ પાર્ટી 24 તો આમ આદમી પાર્ટી 2 સીટો પર ચૂંટણી લડવાની છે. આ વચ્ચે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

AIMIM ચૂંટણી મેદાનમાં ઉતરશે

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ ગુજરાતમાં બે સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ઓવૈસીની પાર્ટી ભરૂચ અને ગાંધીનગર લોકસભા સીટ પર મેદાનમાં ઉતરશે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ચૂંટણી જંગમાં  વધુ એક પાર્ટીએ ઉતરવાની જાહેરાત કરતા રાજકીય માહોલ ગરમાયો છે.

ગાંધીનગરથી લડશે અમિત શાહ
ગાંધીનગર લોકસભા સીટથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડવાના છે. તે વર્તમાનમાં આ સીટ પરથી સાંસદ પણ છે. તો કોંગ્રેસ પાર્ટીએ અહીં સોનલ પટેલને ટિકિટ આપી છે. હવે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ ગાંધીનગરથી ચૂંટણી લડશે. એટલે કે હવે અહીં ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે.

ભરૂચથી ચૂંટણી લડી રહી છે આમ આદમી પાર્ટી
કોંગ્રેસ સાથે ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર લોકસભા સીટથી ચૂંટણી લડવાની છે. ભરૂચ સીટથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા મેદાનમાં છે. જ્યારે ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકિટ આપી છે. હવે આ સીટ પર એઆઈએમઆઈએમની એન્ટ્રી થતાં અહીં પણ ત્રિકોણીય જંગ જોવા મળશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.