Loksabha Election 2024: બનાસકાંઠા લોકસભા બેઠક પર છેલ્લી કેટલીક ચૂંટણીઓ જોઈએ તો બન્ને પાર્ટી ચૌધરી સમાજમાંથી આવતા ઉમેદવારને ટિકિટ આપે છે. પરંતુ આ વખતે ભાજપે ચૌધરી જ્યારે કોંગ્રેસે ઠાકોર સમાજ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો પહેલી વખત એવું બન્યું છે કે બન્ને પાર્ટીના ઉમેદવાર મહિલા છે.
Loksabha Election 2024: રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠામાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ગયા છે. જેના કારણે બન્ને ઉમેદવાર પ્રજા વચ્ચે જઈને મત માગી રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર છેલ્લી કેટલીક ચૂંટણીઓ જોઈએ તો બન્ને પાર્ટી ચૌધરી સમાજમાંથી આવતા ઉમેદવારને ટિકિટ આપે છે. પરંતુ આ વખતે ભાજપે ચૌધરી જ્યારે કોંગ્રેસે ઠાકોર સમાજ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો પહેલી વખત એવું બન્યું છે કે બન્ને પાર્ટીના ઉમેદવાર મહિલા છે.
- બનાસકાઠામાં બન્ને OBC ઉમેદવાર
- પહેલી વખત બન્ને મહિલા ઉમેદવાર
- ચૌધરી VS ઠાકોર વચ્ચે છે પ્રતિષ્ઠાનો જંગ
- ભાજપમાંથી શિક્ષિત ચૌધરી ચહેરો મેદાનમાં
- કોંગ્રેસમાંથી ધારાસભ્ય ઠાકોર ચહેરો મેદાનમાં
લોકસભા ચૂંટણી 2024નો જંગ બરાબર જામ્યો છે. બનાસકાંઠા સીટના ઈતિહાસમાં પહેલી વખત બન્ને પાર્ટીએ મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીના ઉમેદવાર હાલ ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે. ગામડે ગામડે સભા કરીને પોતાની તરફેણમાં મતદાન કરવા માટે પ્રજાને સમજાવી રહ્યા છે. સૌથી પહેલા વાત કરીએ ભાજપના ઉમેદવાર ડૉ. રેખા ચૌધરીની તો ભાજપના ઉમેદવાર પોતે બિનરાજકીય છે. જીવનની પહેલી ચૂંટણી તેઓ લડી રહ્યા છે.
જો કે તેમના પતિ પહેલાથી રાજકારણમાં છે. પતિ હિતેષ ચૌધરી ભાજપના સંગઠનમાં અનેક જવાબદારીઓ નિભાવે છે. રેખા ચૌધરીનું જમા પાસુ તેઓ શિક્ષિત હોવાની સાથે બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે. બનાસ ડેરી સાથે સમગ્ર જિલ્લો જોડાયેલો છે. રેખા ચૌધરી પોતે પ્રોફેસર છે. તો વાત કોંગ્રેસના ઉમેદવારની કરીએ તો, ગેનીબહેન ઠાકોર હાલ વાવના ચાલુ ધારાસભ્ય છે. બનાસકાંઠા સીટ પર ઠાકોર સમાજના સૌથી વધુ મત છે. સાડા 4 લાખ જેટલા મતદારો ઠાકોર જ્ઞાતિના છે, અને ગેનીબહેનની પક્કડ ઠાકોર સમાજ પર સારી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગેનીબહેને ભાજપના દિગ્ગજ નેતા અને હાલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને હરાવ્યા હતા.
ગુજરાતમાં ગેનીબેન ઠાકોર ઉમેદવાર બનતાં રેખાબેન ચૌધરી બદલાઈ રહ્યાં હોવાની વાતો ચાલી છે પણ ભાજપ સાફ ઈન્કાર કરી રહ્યું છે. ભાજપે આ બેઠક રેખાબેનને જીતાડવા માટે ઓપરેશન લોટસ ચલાવ્યું છે. જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતાઓને ભાજપમાં લવાઈ ગેનીબેનને એકલા પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગેનીબેન છેલ્લી 3 ટર્મથી અહીંથી ધારાસભ્ય છે. ગેનીબેન નહીં જીતે તો પણ ભાજપના રેખાબેનને પરસેવો પડાવી દેશે એ નક્કી છે.
બનાસકાંઠા બેઠકના રાજકીય ઈતિહાસની વાત કરીએ તો છેલ્લી 3 ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા થતાં આવ્યા છે. 2019માં ભાજપના પરબત પટેલે કોંગ્રેસના પરથી ભટોળને હાર આપી હતી. પરબત પટેલ 3 લાખ 68 હજાર 296 મતની જંગી લીડથી જીત્યા હતા.આ બેઠક પર કોંગ્રેસનું પણ એક સમયે વર્ચસ્વ હતું. તો જનતા દળ, જનતા પક્ષ અને સ્વતંત્ર પક્ષને પણ 1-1 ટર્મ માટે જીત મળી હતી.
છે બનાસકાંઠાના રાજકીય ઈતિહાસ?
- છેલ્લી 3 ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયા
- 2019માં ભાજપના પરબત પટેલે પરથી ભટોળને હાર આપી હતી
- પરબત પટેલ 3.68 લાખ મતની જંગી લીડથી જીત્યા હતા
- કોંગ્રેસનું પણ એક સમયે વર્ચસ્વ હતું
- જનતા દળ, જનતા પક્ષ, સ્વતંત્ર પક્ષને 1-1 ટર્મ જીત મળી હતી
વાત બનાસકાંઠાના જ્ઞાતિગત સમીકરણોની કરીએ તો, ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો નિર્ણાયક છે. ઠાકોર સમાજના 4 લાખ 50 હજારથી વધુ મતદારો છે. જ્યારે બીજા ચૌધરી સમાજના 2.50 લાખ જેટલા મતદારો છે. જો કે, દલિત અને આદિવાસી સમાજના મતદારો પરિણામ પલટી શકે છે. આ બંને સમાજના 1.75 લાખ મતદારો છે. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 19.53 લાખ છે. બનાસકાંઠા જિલ્લો ખાસ પશુપાલન સાથે સંકળાયેલો વિસ્તાર છે. તો આ જ જિલ્લામાં પાકિસ્તાન સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય બોર્ડર છે. તો રાજસ્થાન સાથે પણ આ જિલ્લો જોડાયેલો છે. તો આદિવાસી સમાજની પણ વસ્તી મોટી સંખ્યામાં પર્વતિયાળ વિસ્તારમાં વસવાટ કરે છે.
શું છે બનાસકાંઠાના જ્ઞાતિગત સમીકરણો?
- ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો નિર્ણાયક
- ઠાકોર સમાજના 4.50 લાખથી વધુ મતદારો
- ચૌધરી સમાજના 2.50 લાખ જેટલા મતદારો
- દલિત, આદિવાસી મતદારો પરિણામ પલટી શકે છે
-
- દલિત-આદિવાસી સમાજના 1.75 લાખ મતદારો
- બેઠક પર કુલ મતદારોની સંખ્યા 19.53 લ
આ વખતની ચૂંટણીમાં 87 હજાર એવા વોટર છે જે પહેલી વખત મતદાન કરવાના છે. આ મતદારોનો મિજાજ કોની તરફેણમાં રહે છે તેના પર સૌની નજર ટકેલી છે. હાલ બનાસકાંઠામાં બે મોટી જ્ઞાતિ ઠાકોર અને ચૌધરી સમાજના મતો વહેંચાઈ જવાની સંભાવના છે.
ઠાકોર સમાજ કોંગ્રેસ તરફી જ્યારે ચૌધરી સમાજ ભાજપ તરફી જાય તેવી સંભાવના છે. તેના આ બન્ને સિવાયની જે પણ જ્ઞાતિના મતો હશે તે નિર્ણાયક સાબિત થશે. જે પણ આ ઈતર મતો અંકે કરશે તે જ દિલ્લી દરબારમાં પહોંચી શકશે. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠામાં પ્રજા પુનરાવર્તન કરે છે કે પછી પરિવર્તન લાવી ઈતિહાસ રચે છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.